સંજય સિંહે ઈડી પર દિલ્હી એક્સાઈઝ કેસમાં ચાર્જશીટમાં તેમનું નામ ખોટી રીતે સામેલ કરવાનો આરોપ લગાવ્યો

નવીદિલ્હી,આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્ય અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ઈડી પર દિલ્હી એક્સાઈઝ કેસમાં ચાર્જશીટમાં તેમનું નામ ખોટી રીતે સામેલ કરવાનો આરોપ લગાવ્યો છે. સંજય સિંહે દાવો કર્યો હતો કે, ’ઇડીએ સ્વીકાર્યું છે કે લિકર કૌભાંડની ચાર્જશીટમાં તેમનું નામ ભૂલથી સામેલ કરવામાં આવ્યું હતું અને આ માટે એજન્સીએ ખેદ વ્યક્ત કર્યો હતો.’ જો કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવે વરિષ્ઠ AAP નેતાના આ દાવાઓનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, નોટિસ પાછી ખેંચો અને મીડિયા સામેમાં ખોટા નિવેદનો રજૂ કરશો નહિ.

આપ નેતા સંજય સિંહે અગાઉ નાણા સચિવને પત્ર લખીને ED ડાયરેક્ટર અને અન્ય અધિકારી વિરુદ્ધ કેસ દાખલ કરવાની પરવાનગી માંગી હતી. આ પછી સંજય સિંહે દાવો કર્યો કે ED એ તેમને માફી માંગતો પત્ર લખ્યો અને કહ્યું કે, ભૂલથી લિકર કૌભાંડની ચાર્જશીટમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું હતું.

સંજય સિંહની આ લીગલ નોટિસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી પણ જવાબ આવ્યો છે. ED એ તેના જવાબમાં કહ્યું છે કે, સંજય સિંહની નોટિસ ED જેવી જાણીતી તપાસ એજન્સીને બદનામ કરવાનો પ્રયાસ છે. આ સાથે એજન્સીએ કહ્યું કે મીડિયાએ કોર્ટમાં પેન્ડિંગ કેસ પર ટિપ્પણી કરવી જોઈએ નહીં.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમ પણ કહ્યું કે , ’ઇડીની ચાર્જશીટમાં ચાર જગ્યાએ સંજય સિંહના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં ત્રણ જગ્યાએ નામ સાચું લખવામાં આવ્યું છે, માત્ર એક જગ્યાએ રાહુલ સિંહને બદલે સજય સિંહનું નામ ખોટું લખવામાં આવ્યું છે.