બેંગ્લોર,એઆઇએમઆઇએમ પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટો પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ, સૌથી જૂની પાર્ટી, ચૂંટણી પહેલા માત્ર વચનો આપે છે, તેને પૂરા કરતી નથી. બાબરી મસ્જિદના વંસ સમયે પણ પાર્ટીએ મસ્જિદ ફરીથી બનાવવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ શું થયું? કંઈ જ નહીં.
ઓવૈસીએ કોંગ્રેસ દ્વારા તેમના વિશે કરાયેલા દાવાને પણ નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ દાવો કરે છે કે ભાજપે મને કર્ણાટકમાં મુસ્લિમ મતોના વિભાજન માટે મોકલ્યો છે. આ બધું બકવાસ છે. અમે સમગ્ર કર્ણાટકમાં માત્ર બે સીટો પર ચૂંટણી લડી રહ્યા છીએ. તેમણે કોંગ્રેસ માટે એક કહેવત પણ ટાંકી – નાચ ના જાને આંગન ટેઢા.
કોંગ્રેસે મંગળવારે કર્ણાટક વિધાનસભા માટે પોતાનો ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો. જેમાં કોંગ્રેસે સરકાર બનશે તો બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું છે. પાર્ટીએ દરેક પરિવારને ૨૦૦ યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે, જ્યારે પરિવારની દરેક મહિલા વડાને દર મહિને ૨ હજાર રૂપિયા આપવામાં આવશે. યુવા મતદારોને આકર્ષવા પાર્ટીએ જાહેરાતો પણ કરી છે. આ અંતર્ગત બે વર્ષ માટે બેરોજગાર સ્નાતકોને દર મહિને ૩,૦૦૦ રૂપિયા અને ડિપ્લોમા ધારકોને ૧,૫૦૦ રૂપિયા પ્રતિ માસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓને રાજ્ય સરકારની બસોમાં મફત મુસાફરીનું વચન પણ આપવામાં આવ્યું છે.