લગ્ન સંબંધો ટકાવી રાખવા મામલે ભારત ટોચે, સૌથી નબળા દેશ યુરોપના, પોર્ટુગલમાં તો ૯૪ ટકા છુટાછેડાના કેસ

નવીદિલ્હી,સંબંધો ટકાવી રાખવા મામલે ભારત દુનિયામાં ટોચના સ્થાને છે. ભારતમાં છુટાછેડાના કેસ પણ ફક્ત ૧ ટકા જ જોવા મળે છે. જોકે એવા ઘણા દેશો છે જ્યાં ૯૪ ટકા સંબંધો તૂટી જાય છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર એશિયાઈ દેશોમાં સંબંધો ઓછા તૂટે છે. જોકે યુરોપ અને અમેરિકામાં પરિવારોમાં વધુ ભંગાણ પડ્યા હતા.

અહેવાલ અનુસાર ભારત પછી વિયેતનામનું નંબર આવે છે જ્યાં ૭ ટકા સંબંધોમાં તલાકની નોબત આવે છે. આ ઉપરાંત તાજિકિસ્તાનમાં ૧૦ ટકા, ઈરાનમાં ૧૪ અને મેક્સિકોમાં ૧૭ ટકા સંબંધોમાં છૂટાછેડાની સ્થિતિ જોવા મળી છે. સૌથી ઓછા તલાકવાળા ૧૦ દેશોમાં ઈજિપ્ત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, તૂર્કીયે અને કોલંબિયા પણ સામેલ છે. આ રિપોર્ટમાં પાકિસ્તાનને સામેલ નથી કરાયો. જોકે જાપાનમાં ૩૫ ટકા સંબંધોમાં છુટાછેડાની વાત કહેવાઈ છે. જ્યારે જર્મનીમાં ૩૮ ટકા સંબંધો તૂટી ગયા હતા અને બ્રિટનનો આંકડો ૪૧ ટકા રહ્યો હતો. જ્યારે ચીનમાં ૪૪ ટકા લગ્નો એવા છે જેમાં તલાકની નોબત આવી રહી છે. અમેરિકામાં આ આંકડો ૪૫ ટકા છે. જોકે ડેનમાર્ક, દ.કોરિયા અને ઈટાલીમાં ૪૬ ટકા સંબંધો ટકી શક્તા નથી.

સંબંધો જાળવી રાખવામાં સૌથી નબળા દેશ યુરોપના છે. પોર્ટુગલમાં તો ૯૪ ટકા છુટાછેડાના કેસ સામે આવે છે. આ ઉપરાંત સ્પેન સેકન્ડ લાસ્ટ ક્રમે છે જ્યાં ૮૫ ટકા સંબંધો ટકી શક્તા નથી. આ ઉપરાંત લક્ઝમબર્ગમાં ૭૯ ટકા લગ્નો આજીવન ટક્તા નથી. આટલું જ નહીં રશિયામાં પણ ૭૩ ટકા આંકડો તલાકનો રહ્યો છે અને પાડોશી દેશ યુક્રેનમાં પણ ૭૦ ટકા લગ્ન સંબંધ તૂટી જાય છે.

સામાજિક વિજ્ઞાનના વિદ્વાનો અનુસાર ભારતમાં સંબંધો ટકવાનું કારણ સાંસ્કૃતિક પહેલું છે જેમાં પરિવાર વ્યવસ્થા જાળવી રાખવા પર ભાર મૂકાય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં તલાક મામલે કાનૂની પ્રક્રિયા હેઠળ આવતા નથી અને ખુદ પતિ અને પત્ની અલગ રહેવા લાગે છે. તેના કારણે પણ આંકડો સામે આવતો નથી. જોકે તેના બાદ પણ અન્ય દેશોની તુલનાએ ભારતમાં તલાકના કેસ ખૂબ ઓછા છે.