મુંબઈ,શરદ પવારના એનસીપીના અધ્યક્ષ પદ પરથી રાજીનામા બાદ પાર્ટીમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. જિતેન્દ્ર આવ્હાડે એનસીપીના જનરલ સેક્રેટરી પદ પરથી રાજીનામું આપી દીધુ છે. જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે મારી સાથે થાણે શહેરના તમામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. આવ્હાડે પોતાનું રાજીનામુ જયંત પાટિલને મોકલી દીધું છે.
એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે જનરલ સેક્રેટરી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે તેમની સાથેના તમામ રાષ્ટ્રવાદી પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બધાએ પોતાનું રાજીનામુ જયંત પાટિલને મોકલી દીધું છે. મંગળવારે જ અજિત પવારે કહ્યું હતું કે તેઓ પાર્ટીમાંથી કોઈનું રાજીનામું સ્વીકારશે નહીં. આમ છતાં જિતેન્દ્ર આવ્હાડ સહિત અનેક નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. શરદ પવારે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે અને હવે પાર્ટીના નવા અધ્યક્ષ ને લઈને અસ્પષ્ટતા છે. એનસીપીના નવા અધ્યક્ષ પદ માટે પવારના ભત્રીજા અજિત પવાર અને તેમની દીકરી સુપ્રિયા સુલેનું નામ સામે આવી રહ્યુ છે. જોકે, હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. કારાણ કે, એનસીપીમાં અનેક નેતાઓનો દાવો છે કે, નવા અધ્યક્ષ પરિવારનો કોઈ સદસ્ય નહી હશે.
બીજી તરફ એનસીપીના નેતા છગન ભુજબળનું કહેવું છે કે, જો શરદ પવાર પોતાનો નિર્ણય પાછો ન ખેંચે તો રાજ્યની જવાબદારી અજિત પવારને અને સુપ્રિયા સુલેને કેન્દ્ર સોંપવું જોઈએ. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે શરદ પવારના રાજીનામાને દેશની રાજનીતિ માટે મોટો ઝટકો ગણાવ્યો છે. રાઉતે કહ્યું કે, પવારના નિર્ણયથી મહારાષ્ટ્ર અને દેશમાં ચોક્કસપણે હલચલ મચી જશે.