બેંગ્લોર,કર્ણાટકના મૈસૂરમાં આવકવેરા વિભાગે કોંગ્રેસના ઉમેદવાર અશોક કુમાર રાયના ભાઈના ઘરેથી ૧ કરોડ રૂપિયા રિકવરી કર્યા છે. અશોક કુમાર પુત્તુરથી કોંગ્રેસના ઉમેદવાર છે. બુધવારે આવકવેરા અધિકારીઓએ તેમના ભાઈ સુબ્રમણ્યમ રાયના ઘરે દરોડા પાડ્યા હતા. અહીં તેમને એક ઝાડ પર એક બોક્સમાં રાખેલા એક કરોડ રૂપિયા મળ્યા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
આ વીડિયોમાં આવકવેરા અધિકારી સુબ્રમણ્યમ રાયના ઘરે પહોંચે છે અને તેમના બગીચામાં ઝાડ જુએ છે. જેમાં ગાઢ શાખાઓ વચ્ચે એક બોક્સ મૂકવામાં આવ્યું છે. અધિકારીઓ ઘરની મહિલાઓને પૂછે છે કે આ શું છે? શું આ રોકડ છે? આ અહીં કોણે મૂક્યું?
ઓફિસર કહે મેડમ અમે સવાલ પૂછીએ છીએ, તમે જવાબ આપો. આ અંગે એક મહિલા જવાબ આપે છે કે મેં રાખ્યું છે. અધિકારી પૂછે છે કે તમને અહીં રાખવા કોણે આપ્યું અને તમને શું સૂચના આપવામાં આવી? મહિલા આનો જવાબ આપે તે પહેલા જ વીડિયો સમાપ્ત થઈ જાય છે.
કર્ણાટકમાં ૧૦ મેના રોજ વિધાનસભાની ચૂંટણી છે. જેના કારણે આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. તેના હેઠળ પેપર વર્ક પૂર્ણ કર્યા વિના વિશાળ માત્રામાં કેશને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાની મંજૂરી નથી.
જેના કારણે ગેરકાયદેસર નાણા જપ્ત કરવા માટે આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે અને પોલીસ પણ આ મામલે સક્રિય છે. ૧૩ એપ્રિલના રોજ બેંગલુરુ પોલીસે બે માણસો પાસેથી ગેરકાયદેસર રોકડમાં રૂ. ૧ કરોડ રિકવર કર્યા હતા. સિટી માર્કેટ વિસ્તારમાંથી એક રીક્ષામાંથી જપ્ત કરવામાં આવી હતી.
ગયા મહિને આવકવેરાની ટીમે ખાનગી રિયલ એસ્ટેટ ડેવલપર અંકિતા બિલ્ડર્સની ઓફિસ અને હુબલીમાં કંપનીના માલિક નારાયણ આચાર્યના ઘર પર દરોડા પાડ્યા હતા. અગાઉ, IT વિભાગે કોંગ્રેસના પૂર્વ નેતા ગંગાધર ગૌડાના બે ઘરો અને દક્ષિણ કન્નડના બેલથાંગડી ખાતેની શૈક્ષણિક સંસ્થા પર દરોડા પાડ્યા હતા.
આ સંસ્થા ગંગાધર ગૌડાના પુત્ર રંજન ગૌડાની છે. ગંગાધર ગૌડા 2018માં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કર્ણાટક ચૂંટણીની ટિકિટ ન મળતાં તેણે હાલમાં જ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.