યાત્રાધામ પાવાગઢમાં માચી ખાતે વિશ્રામ સ્થળનો ઘુમ્મટ તૂટ્યો : એક મહિલાનું મોત, 8 ઈજાગ્રસ્ત.

પાવાગઢના માચી ખાતે આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના રેન બસેરાનો કેટલોક હિસ્સો તૂટી પડતાં અહીં દર્શન કરવા આવેલા આઠ યાત્રિક ઉપર કોંક્રીટનો સ્લેબ પડતાં ઇજાગ્રસ્ત થયા છે. બપોરે ગાજવીજ સાથે વરસાદ પડતાં કેટલાક યાત્રિકો રેન બસેરા નીચે ઊભા હતા એ સમયે દુર્ઘટના સર્જાતાં 3 મહિલા, 3 પુરુષો અને બે બાળકો ઇજાગ્રસ્ત થયાં હતાં, જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું છે.

પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલા ચાચર ચોકની સાઈડ પર કોંક્રીટનો સ્લેબ ગોઠવી કલાત્મક રેન બસેરા બનાવવામાં આવ્યા હતા. આજે બપોરે અહીં ગાજવીજ સાથે વરસાદ વરસતાં આ રેન બસેરા નીચે કેટલાક યાત્રિકો વરસાદથી બચવા આશરો લઈ ઊભા હતા. એ સમયે અચાનક પથ્થરોનું બાંધકામ તૂટી પડતાં યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. કોંક્રીટના ભારે સ્લેબ નીચે દબાયેલાં ત્રણ પુરુષ, ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાના ભાગે અને બંને પગ ભાગી જતાં ગંભીર રીતે ઘવાઈ હતી. જ્યારે અન્ય એક મહિલાને પેટના ભાગે પથ્થરો પડતાં તે પણ ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે બંને પુરુષો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ખાનગી વાહનો તથા 108 મારફત હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા હતા. અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ સિવાયના તમામ સભ્યો એક જ પરિવારના હતા. જ્યારે એક મહિલા અને એક પુરુષ માતાજીનાં દર્શને આવેલાં હતાં.

ઈજાગ્રસ્તોની યાદી

  1. ગંગાબેન મહેશભાઈ દેવીપૂજક (40 વર્ષ, મૃત્યુ પામેલાં)
  2. મીનાબેન ખુમાનસિંહ પલાસ (21 વર્ષ)
  3. રાજવંશ મહેશભાઈ દેવીપૂજક (21 વર્ષ)
  4. સુમિત્રાબેન વેલસિંહભાઇ રાઠવા (18 વર્ષ)
  5. વિજયભાઈ ભઈલાલભાઈ દેવીપૂજક (25 વર્ષ)
  6. મારી બેન વિજયભાઈ દેવીપૂજક (5 વર્ષ)
  7. દીપકભાઈ નટવરભાઈ દેવીપૂજક (28 વર્ષ)
  8. સોનલબેન વિજયભાઈ દેવીપૂજક (30 વર્ષ)
  9. દક્ષ વિજયભાઈ દેવીપૂજક (2 વર્ષ)