શહેરામાં આત્મવિલોપનની ઘટનામાં આઠેય વ્યક્તિઓની જામીન મંજુર

શહેરા તાલુકાના વલ્લવપુર ગામના આઠ વ્યક્તિઓએ સોમવારે તાલુકા સેવા સદન બહાર આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો, જેઓને પોલીસે રોકીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.જ્યારે મંગળવારના રોજ સાંજના પાંચ વાગ્યા પછી પોલીસ દ્વારા આઠેય વ્યક્તિઓને જામીન માટે મામલતદાર કચેરી ખાતે તમામને રજૂ કર્યા હતા. રાત્રીના 7.30કલાકે તમામ નો જામીન પર છુટકારો થયો હતો.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લવપુર ગામની સર્વે નંબર ૬૫૭ બ (૯૮૧૪) માં ખોટી રીતના એક પાકી અને બે કાચી નોંધ પાડવામાં આવી હોવાના આક્ષેપ સાથે વલ્લવપુર ગામના આઠ વ્યક્તિઓ  મામલતદાર કચેરીની  બહાર સોમવારના રોજ અંદાજે ૩ વાગ્યાના સુમારે આત્મવિલોપન કરવા આવ્યા હતા.પરંતુ આઠેય વ્યક્તિઓ આત્મ વિલોપન કરે તે પહેલા પોલીસે તેમને આત્મ વિલોપન કરતા રોકીને પ્રાંત સમક્ષ રજુ કર્યા હતા. ત્યારબાદ આઠેય વ્યક્તિઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ તમામનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.પોલીસે આત્મવિલોપન કરનાર જશપાલસિંહ સોલંકી,શક્તિસિંહ સોલંકી,યુવરાજસિંહ સોલંકી,ગજેન્દ્રસિંહ સોલંકી,યોગેન્દ્રસિંહ સોલંકી, પૃથ્વીસિંહ સોલંકી,અરવિંદ નાયક અને મુકેશ નાયક આ તમામની અટકાયત કરીને ૧૦૭ અને ૧૫૧ ની કલમ મુજબની કાર્યવાહી હાથધરી લોકઅપમાં મુકી દીધા હતા. જોકે આત્મવિલોપન કરનાર તમામને મંગળવારના રોજ સાંજના 5:20 વાગ્યે પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર કચેરી ખાતે જામીન માટે રજુ કરવામાં આવ્યા હતા. મામલતદાર એ  7:30 કલાકે  આઠ આત્મવિલોપન કરનારાઓ નો જામીન પર છોડાયા હતા.