જામનગર,આજની ૨૧મી સદીમાં યુવાવર્ગમાં આપઘાતનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જોવા મળે છે. ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીનીઓ પણ આપઘાત કરતાં જોવા મળે છે. સુખી સંપન્ન માણસ પણ લાંબા સમયની બિમારીથી કંટાળીને આ પગલું ભરે છે, ત્યારે આવામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જામનગરમાં ધોરણ ૧૧ની વિદ્યાર્થિની એ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મુળ દેવભૂમી દ્વારકા જિલ્લાની અને જામનગરમાં રહીને અભ્યાસ કરતી ધોરણ-૧૧ સાયન્સની વિદ્યાર્થિની એ ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યાની ઘટના સામે આવી છે. સતત બિમારીના કારણે એક વર્ષ ડ્રોપ લીધા બાદ રિપીટ શરૂ કરેલા અભ્યાસથી કંટાળો આવતા તેણીએ આ પગલું ભરી લીધું હોવાની વિગતો જાહેર થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે જડેશ્ર્વર સોસાયટીમાં રહેતા નિલેષભાઇ લક્ષ્મીદાસ ગોહેલની ૧૫ વર્ષીય પુત્રી માહી જામનગરમાં પટેલ કોલોની શેરીના એક એપાર્ટમેન્ટમાં રહી ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થિની એ ગઈકાલે એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ બનાવના પગલે તેણીના પરિવારજનો જામનગર આવી પહોંચ્યા હતા. અને સીટી બી ડિવિઝન પોલીસમાં મૃતકના પિતાએ નિવેદન નોંધાવ્યું હતું કે, બીમારીના કારણે ગત વર્ષે પુત્રી માહીએ અભ્યાસમાંથી ડ્રોપ લીધો હતો. આ વર્ષે ફરી ધોરણ ૧૧ સાયન્સનો અભ્યાસ શરુ કર્યો હતો. આ રિપીટ અભ્યાસથી કંટાળો આવતા તેણીએ આ પગલુ ભરી લીધું હોવાનુ તેણીના પિતાએ પોલીસમાં નીવેદન આપ્યું હતું.