ભારતીય ખેલાડી શમીની વધી શકે છે મુશ્કેલીઓ, પત્નીએ ધરપકડ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

મુંબઇ,ટીમ ઈન્ડિયાના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીની મુશ્કેલીઓ વધી શકે છે. શમીની પત્ની હસીન જહાંએ શમીની ધરપકડ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. પોતાની અરજીમાં હસીન જહાંએ કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે જેણે શમી વિરુદ્ધ જારી કરાયેલ ધરપકડ વોરંટ પર સેશન્સ કોર્ટના સ્ટેને યથાવત રાખ્યો હતો. શમીની પત્નીએ આરોપ લગાવ્યો કે શમી તેની પાસેથી દહેજ માંગતો હતો અને BCCI સંબંધિત પ્રવાસો પર બોર્ડ દ્વારા આપવામાં આવેલા રૂમમાં વેશ્યાઓ સાથે ગેરકાયદેસર સંબંધો બાંધતો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં અલીપુરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા ૨૯ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. જોકે શમીએ આ નિર્ણયને સેશન્સ કોર્ટ સમક્ષ પડકાર્યો હતો. જેણે ધરપકડ વોરંટ અને સમગ્ર કેસમાં આગળની પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી. આ પછી હસીન જહાંએ કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કર્યો પરંતુ હાઈકોર્ટે પણ ધરપકડ વોરંટ પરનો સ્ટે ઉઠાવવાનો ઇન્કાર કરી દીધો હતો.

હસીન જહાંની અરજીમાં કહેવામાં આવ્યું છે કે કાયદા હેઠળ કોઈપણ સેલિબ્રિટીને કોઈ વિશેષ દરજ્જો મળવો જોઈએ નહીં. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટનો આદેશ કાયદામાં સ્પષ્ટ રીતે ખોટો છે, જે ઝડપી સુનાવણીના અધિકારને મહત્વ આપે છે. તેણે કહ્યું છે કે ક્રિકેટરના મામલામાં ચાર વર્ષથી મામલો આગળ વયો નથી.