અલીબાબાના સ્થાપક જેક મા બે મહિનાથી લાપતાઃ ચીની સરકારે ગુમ કર્યાની શક્યતા

અલીબાબાના સ્થાપક અને ચીનના અગ્રણી ઉદ્યોગપતિ જેક મા છેલ્લાં બે માસથી લાપતા થયા હોવાનો દાવો મીડિયા અહેવાલોમાં કરાયો હતો. જેક માને ચીનની સરકારે જ લાપતા કર્યા હોવાની શક્યતા છે. જેક માએ થોડા મહિના પહેલાં ચીનની આર્થિક નીતિની જાહેરમાં ઝાટકણી કાઢી હતી.

અલીબાબાના સ્થાપક જેક મા છેલ્લે બે માસ પહેલાં જાહેર કાર્યક્રમમાં દેખાયા હતા. એ પછી તેમની કોઈ જ હાજરી નોંધાઈ નથી. ચીનની સરકારે જેક માને લાપતા કરી દીધા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. મીડિયા અહેવાલોમાં દાવો થયો હતો કે ચીનની સરકારે જેક માને ઘરમાં નજરકેદ કરી લીધા હોય તેવી શક્યતા છે, અથવા તો તેમને ક્યાંક ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યા હોય એવી પણ શક્યતા નકારી શકાતી નથી. છેલ્લાં બે માસથી જેક માની કોઈ જ જાહેર હાજરી દર્જ થઈ નથી.

જેક માને ચીનના પ્રમુખ શિ જિનપિંગ સાથે સંઘર્ષ ચાલતો હતો. થોડાંક મહિના પહેલાં શાંઘાઈમાં જેક માએ એક ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે ચીની સરકારની આર્થિક નીતિની આડકતરી ઝાટકણી કાઢીને તેને જૂનવાણી ગણાવી હતી. જેક માએ કહ્યું હતું કે વ્યાજખોર નાણા વિભાગના અધિકારીઓ અને સરકારી બેંકો નવા ક્ષેત્રના ઉદ્યોગને દબાવે છે. આ સિસ્ટમ બદલવા માટે ઉદ્યોગજગતે પ્રયાસો કરવા જોઈએ એવું આહ્વાહન પણ તેમણે આપ્યું હતું. આ ભાષણ પછી જિનપિંગ ભડકી ગયા હતા અને સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ જેક મા પર ચારેબાજુથી દબાણ વધાર્યું હતું.

ગત નવેમ્બર માસમાં અલીબાબાની જ એક પેટા કંપનીનો ૩૭ અબજ ડોલરનો આઈપીઓ જિનપિંગના ઈશારે રદ્ કરી દેવાયો હતો. તેનાથી જેક માને મોટો આર્થિક ફટકો પડયો હતો. એ પછી ચીની સરકારના અધિકારીઓએ જેક માને નોટિસ પાઠવી હતી કે જ્યાં સુધી અલીબાબા સહિતની કંપનીઓ પર વિવિધ કેસનો નિવેડો ન આવે ત્યાં સુધી એ દેશ છોડી શકશે નહીં. ત્યારથી જેક મા જાહેરમાં દેખાયા નથી.

જેક મા ટ્વિટરમાં ખૂબ જ સક્રિય રહેતા હતા, પરંતુ ઘણાં સમયથી તેમના એકાઉન્ટમાંથી એક પણ ટ્વિટ થઈ નથી.