ગોધરા,રાજ્યમાં પ્રાકૃત્તિક કૃષિનો વ્યાપ વધે તે માટે છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર, વેચાણ અને યોજનાકીય કામગીરીનુ અમલીકરણ કરવામા આવી રહેલ છે. ગત દિવસોમાં દેશના પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ ગુજરાત પંચાયત સંમેલનમા કરાયેલ હાકલ મુજબ આઝાદી કા અમૃત મહોત્સવ દરમ્યાન ગ્રામ પંચાયત દીઠ ઓછામાં ઓછા 75 ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવે. જે અંતર્ગત ગોધરા તાલુકાના કલસ્ટર-11 આંગળીયા ગામમાં ખેડુતમિત્ર ગુલાબસિંહ સંગાડીયાને ઘરે પ્રકૃતિના સાનિધ્યમાં પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરાયું હતું.
જેમાં પ્રાકૃતિક કૃષિનુ મહત્વ,પર્યાવરણની સુરક્ષા,જમીનની ફળદ્રુપતા સાથે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જીવામૃત, બીજામૃત, વાફ્સા, આચ્છાદન (મલ્ચીંગ) અને મિશ્રપાક પધ્ધતિ જેવા વિવિધ વિષયો આવરી લઇ તબક્કાવાર માહિતી તાલીમમાં હાજર રહેલ ગોધરા તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી) શીલ્પાબેન પટેલ,આત્મા પ્રોજેક્ટના બીટીએમ વિશાલ શાહ,ટેકનીકલ માસ્ટર ટ્રેનર ગ્રામસેવક કુ.હિમાન્સી ચૌધરી,ખેડુતમિત્ર ફાર્મર માસ્ટર ટ્રેનર ગુલાબસિંહ સંંગાડીઆ તેમજ સરપંચએ વિગતવાર માહિતી પુરી પાડી પ્રચાર પ્રસાર થકી ખરીફ ઋતુમાં વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે તે માટે સુચન કરાયા હતા.
આ તાલીમની સાથેસાથે જીવામૃત અને બીજામૃત બનાવવા અને તેનો ઉપયોગ કરવાની રીત પ્રેકટીકલ સાથે સમજાવવામાં આવી હતી. આ સાથે તાજેતરમાં ખુલ્લું મુકાયેલ I-khedut પોર્ટલ પર બાગાયત તેમજ પશુપાલનની સહાય યોજનાનો લાભ લેવા અને અરજી કરવા માટે પણ ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.