સંતરામપુરના નર્સિંગપુર ગામે રસ્તાનુ સર્વે અને માપણી કરતાં સરકારી જમીનમાં બાંધકામ હોવાથી સરકારી તંત્રએ 37 મકાન માલિકોને નોટિસ ફટકારી

સંતરામપુર,જિલ્લાના વહીવટી તંત્રના આદેશ મુજબ સંતરામપુરના અધિકારીઓ દ્વારા નર્સિંગપુર ગામે રસ્તાનુ સર્વે અને માપણી કરવા ગયા ત્યારે નંબર-43(બ)માં આવેલી સરકારી જમીનમાં બાંધકામ થવાનું બહાર આવ્યુ અને તાત્કાલિક સરકારી તંત્રએ 37 મકાન માલિકોને નોટિસ ફટકારી હતી. તા.25 એપ્રિલ સુધીમાં આધાર પુરાવા રજુ કરવા જણાવ્યુ હતુ ત્યારે મકાન માલિકો દ્વારા વધુ મુદ્દત માંગવામાં આવતા તા.2 મેના રોજ આધાર પુરાવા રજુ કરવા જણાવાયુ હતુ. જેને લઈને તા.2મેના રોજ 37 મકાન માલિકો અરજી સાથે રજુઆત કરવા મામલતદાર કચેરી પહોંચ્યા હતા. પરંતુ જમીન દલાલોએ 43(બ)જે જગ્યા સરકારી અને ખરાબાની જમીન પર પ્લોટિંગ કરી સરકારી રેકર્ડમાં 53 પૈકી અને 64 પૈકી બતાવી મકાન માલિકોને 7/12 નકલ અને દસ્તાવેજ કરી આપેલા હતા. સરકારી રેકર્ડમાં છેડછાડ કરીને 43(બ)બે જગ્યાને 53 પૈકી અને 64 પૈકીનો સર્વે નંબરનો દસ્તાવેજ કરી 37 મકાન માલિકો સાથે છેતરપિંડી કરવાનુ બહાર આવ્યુ છે. જયારે 53 પૈકીના પ્લોટ અને 64 પૈકીના પ્લોટ અત્યારે કઈ છે તે સોૈથી મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા ભુતકાળમાં સર્વે નંબરમાં અને રેકર્ડના છેડછાડમાં તલાટી, રેવન્યુ મામલતદાર, ભુ-માફિયાઓ, અધિકારીઓએ 37 મકાન માલિકો સાથે છેતરપિંડી કરાઈ છે. 43(બ)સરકારી સર્વે નંબરની જમીનમાં 53 અને 64 પૈકી સર્વે નંબરનો કઈ રીતે સમાવેશ થયો અને કોને ઈશારે થયો સોૈથી મોટો પ્રશ્ર્ન ઉભો થતાં સરકારી તંત્ર માટે તપાસનો વિષય બન્યો છે.