નવીદિલ્હી,ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ચાર સાંસદોની એક ટીમે મંગળવારે અહીં હનુમાન જયંતિ શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે થયેલી હિંસા સ્થળની મુલાકાત લીધી હતી અને આ ઘટના માટે ઓડિશાની બીજુ જનતા દળસરકારને જવાબદાર ગણાવી હતી.
ઉત્તર પ્રદેશના ભાજપના રાજ્યસભા સભ્ય બ્રિજલાલ, ઝારખંડના પક્ષના સાંસદો સમીર ઉરાં અને આદિત્ય સાહુ અને પશ્ર્ચિમ બંગાળના જ્યોતિર્મય સિંહ મહતોએ પશ્ર્ચિમ ઓડિશાના સંબલપુર શહેરની મુલાકાત લીધી હતી. તેમણે પોતાનો રિપોર્ટ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને સોંપ્યો છે. ટીમના સભ્યો આદિવાસી યુવક ચંદ્રમણિ મિર્ધાના ઘરે ગયા હતા. શહેરની સીમમાં થયેલી હિંસા દરમિયાન તેનું મોત થયું હતું.
બીજેપી સાંસદોની એક ટીમે તે સ્થળની પણ મુલાકાત લીધી જ્યાં મિર્ધાની હત્યા થઈ હતી અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. બાદમાં, બ્રિજલાલે કહ્યું, પ્રારંભિક અહેવાલો અનુસાર, તે પ્રાયોજિત હિંસા હતી. રાજ્ય સરકારની નિષ્ફળતાને કારણે આ અપ્રિય ઘટના બની હતી.” સંબલપુરના પોલીસ અધિક્ષક બી ગંગાધરે જણાવ્યું હતું કે મિર્ધાની હત્યાના સંબંધમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે યુવકના મોતનો શહેરમાં ૧૨ અને ૧૪ એપ્રિલે થયેલી હિંસા સાથે કોઈ સંબંધ નથી.
ઉલ્લેખનીય છે કે હિંસા દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હતા અને ઘણી દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. હિંસાને પગલે શહેરમાં ઘણા દિવસો સુધી કર્ફ્યુ લાદવો પડ્યો હતો અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવી પડી હતી. ભાજપની ટીમ ભવાનીપલ્લી પણ ગઈ અને ૧૪ એપ્રિલે ઘાયલ થયેલા દલિત યુવક કાલિયા સિક્કાને મળી.
બ્રિજલાલે કહ્યું, “સિક્કા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેની આંગળી કાપી નાખવામાં આવી હતી. તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે હત્યાના પ્રયાસની કલમો હેઠળ કેસ નોંધ્યો છે કે કેમ તેની ચકાસણી કરવી પડશે.