દિલ્હી દારૂ કૌભાંડ કેસ:ઈડીની ચાર્જશીટમાં આપ સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ આપ્યું, સિસોદિયાના પીએએ નિવેદનમાં ખુલાસો કર્યો

  • સીબીઆઇએ કેજરીવાલની ૯ કલાક સુધી પૂછપરછ કરી હતી.

નવીદિલ્હી,દિલ્હીના દારૂ કૌભાંડ કેસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની બીજી પૂરક ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ પણ સામે આવ્યું છે. ચાર્જશીટમાં છેતરપિંડીના વ્યવહારો માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ચાર્જશીટ મુજબ, મનીષ સિસોદિયાના તત્કાલિન સચિવ સી અરવિંદે જણાવ્યું છે કે સિસોદિયાના ઘરે આયોજિત મીટિંગમાં રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા. આ બેઠકમાં પંજાબ સરકારના એસીએસ ફાયનાન્સ વિજય નાયર ઉપરાંત એક્સાઈઝ કમિશનર વરુણ રૂજમ, એફસીટી અને પંજાબ એક્સાઈઝના અધિકારીઓ પણ હાજર હતા. આ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સીએમ કેજરીવાલના નામ સામે આવી ચૂક્યા છે. સીબીઆઇએ કેજરીવાલની ૯ કલાક સુધી પૂછપરછ કરી છે.

૧૬ એપ્રિલે સીબીઆઇએ કથિત દારૂ નીતિ મામલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની લગભગ સાડા નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સમગ્ર કથિત દારૂ કૌભાંડ નકલી, ખોટું અને ગંદી રાજનીતિથી પ્રેરિત છે. આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે અને કટ્ટર ઈમાનદારી એ આપણી મૂળભૂત વિચારધારા છે. અમે મરી જઈશું પણ અમારી અખંડિતતા સાથે સમાધાન નહીં કરીએ. તપાસ એજન્સીઓએ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ વિરુદ્ધ પુરાવા મળ્યા છે. તાજેતરમાં ઈડ્ઢએ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં જણાવાયું હતું કે કેજરીવાલે ’ફેસટાઇમ’ એપ પર દારૂ કૌભાંડના મુખ્ય આરોપી સમીર મહેન્દ્રુ સાથે વાત કરી હતી. સમીર મહેન્દ્રુ દારૂનો ધંધો કરે છે. કેજરીવાલે સમીરને આપના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ વિજય નાયર પર વિશ્ર્વાસ રાખવા કહ્યું.

ઈડી અનુસાર, ગયા વર્ષે ૧૨ અને ૧૫ નવેમ્બરે પૂછપરછ દરમિયાન સમીર મહેન્દ્રુએ અધિકારીઓને કહ્યું હતું કે વિજય નાયરે અરવિંદ કેજરીવાલ સાથે તેની મીટિંગ નક્કી કરી હતી. પરંતુ આ બેઠક થઈ શકી નથી. આ પછી વિજયે તેને વીડિયો કોલ દ્વારા ફેસટાઇમ પર વાત કરવાનું કહ્યું હતું. ઈડીનો આરોપ છે, તે જ કોલમાં અરવિંદ કેજરીવાલે સમીરને કહ્યું હતું કે વિજય નાયર તેમના પોતાના માણસ છે, તેઓ તેમના પર વિશ્ર્વાસ કરી શકે છે.દિલ્હી સરકારે ૧૭ નવેમ્બર ૨૦૨૧ના રોજ નવી એક્સાઇઝ પોલિસી લાગુ કરી હતી. આ નીતિના અમલ પછી દિલ્હી સરકારે આવકમાં વધારાની સાથે માફિયા શાસનનો અંત લાવવાની દલીલ કરી હતી, પરંતુ થયું કઇંક ઊલટું. દિલ્હી સરકારને આવકનું નુક્સાન થયું. જુલાઈ ૨૦૨૨માં, દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને એક રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં મનીષ સિસોદિયા પર દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

એલજીએ આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી હતી. એલજીની ભલામણ બાદ સીબીઆઈએ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં મનીષ સિસોદિયા સહિત ૧૫ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. ૨૨ ઓગસ્ટે ઈડીએ એક્સાઇઝ પોલિસીમાં મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો. લગભગ છ મહિનાની તપાસ બાદ સીબીઆઈએ ફેબ્રુઆરી મહિનામાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. મનીષ સિસોદિયા ત્યારથી જેલના સળિયા પાછળ છે.

આ કેસમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ જેલમાં છે. સિસોદિયાની ૨૬ ફેબ્રુઆરીએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મનીષ સિસોદિયાની જેલમાં પણ પૂછપરછ કરવામાં આવી હતી. ED એ પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની જેલમાંથી જ ધરપકડ કરી હતી. ઈડીએ મનીષ સિસોદિયાની પણ રિમાન્ડ પર પૂછપરછ કરી હતી. મનીષ સિસોદિયાએ આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરીને જામીન માંગ્યા હતા. પરંતુ કોર્ટે તેનો સ્વીકાર કર્યો ન હતો.