સુરત,દુબઈથી લાવવામાં આવેલું રૂપિયા ૪ કરોડથી વધુની કિંમતનુ ૭.૧૫૮ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. સુરત SOG (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ગ્રુપ)ની ટીમે સોનાની સાથે સાથે ૪ ઇસમોને પણ ઝડપી પાડ્યા છે. સુરત પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમની તપાસ દરમિયાન આંતરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ થઈ શકે છે. આરોપીઓ સોનું કઈ રીતે દુબઈથી સુરત લાવ્યા હતા અને પકડાયા નહીં તેનો પણ મોટો ભેદ ખુલ્યો છે.
સુરત એરપોર્ટ પર આવતી ઈન્ટરનેશનલ ફ્લાઈટની સાથે ગેરકાયદેસર રીતે કરવામાં આવતી હેરાફેરીના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. જેમાં આ વખતે સોનાની ગેરકાયદેસર હેરાફેરીનો ભેદ ખુલ્યો છે. આ મામલે સુરત પોલીસે કરોડો રૂપિયા સોના સાથે ૪ આરોપીઓને ઝડપી પાડયા છે. SOG ટીમને એક ટોળકી વિશે માહિતી મળી કે ટોળકી દ્વારા ઈમિગ્રેશનમાં પકડાવાય નહીં તે રીતે સોનું લાવવામાં આવતું હતું.
આ ટોળકી તેના કેરિયરોને દુબઈ ખાતે મોકલી ત્યાંના વેપારીઓ પાસેથી સોનાની પેસ્ટ મેળવીને સોનુ એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન સિક્યુરીટી ચેકીંગમાં પકડાય નહીં તે રીતે લાવતા હતા. આરોપીઓ સોનામાં કેમિકલ ભેળવીને સોનુ આંતરવોમાં છૂપાવીને દુબઈથી લાવતા હતા.
પોલીસને માહિતી મળી હતી કે, સોનાને દુબઈથી સુરત લાવવા માટે આ ટોળકીના બે સભ્યો દુબઈ ગેરકાયદેસર રીતે સોનું લવાયું છે. આ ટોળકી કારમાં ડુમ્મસ એસકે નગર ચોકડી પાસેથી પસાર થવાની છે. આ બાતમી આધારે મોડી રાત્રીના વોચ ગોઠવી રોડ ઉપરથી પસાર થતી કારને રોકીને તપાસ કરતા મોટી સફળતા મળી છે.
આ કેસમાં આરોપી ફેનીલ રાજેશભાઇ માવાણી, નિરવ રમણીકભાઇ ડાવરીયા, ઉમેશ ઉર્ફે લાખો S/O રમેશભાઈ ભીખરીયા અને સાવન શાંતીલાલ રાખોલીયાની ધરપકડ કરી લેવામાં આવી હતી. પકડાયેલા શખ્સોની ઝડતી લેતા બે આરોપીઓ પાસેથી તેમના આંતરવો તથા બૂટમાં છૂપાવીને દુબઈથી લવાયેલું સોનું મળી આવ્યું હતું.
આરોપીઓએ સોનાની પેસ્ટ લાવ્યા હતા તેનું વજન ૭.૧૫૮ કિલોગ્રામ છે અને તેની કિંમત ૪ કરોડથી વધારે થાય છે. સુરત પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું છે કે પોલીસને દાણચોરી કરીને લવાતું સોનું પકડી પાડવામાં સફળતા મળી છે. પકડાયેલા અરોપીઓ એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન સિક્યોરિટીમાં પકડાઈ ન જાય તે માટે સોનાને પંચમ પાવડર સ્વરૂપમાં બનાવી તેમા કેમિકલ ભેળવીને લુગદી સ્વરૂપમાં નાના-નાના પાઉચમાં ભરીને તેના પર સેલોટેપ વીંટાળીને અન્ડરવિયરમાં મૂકીને લાવતા હતા.
આ સિવાય આરોપીઓ બૂટના તળિયામાં સોનું મૂકીને ફ્લાઈટમાં બેસી સુરત એરપોર્ટ આવીને ઈમિગ્રેશન સિક્યોરિટીમાંથી એનકેન રીતે છટકી ગયા હતા. કસ્ટમ વિભાગમાં એક્સાઈઝ ડ્યુટી ન ભરીને સરકારને આર્થિક નુક્સાન પહોંચાડવાનો ગુનો નોંધાયો છે, હાલ સુરત પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવણીને તજવીજ હાથ ધરી રહી છે.