દાહોદની ધો-10ની પરીક્ષામાં ચોરીના કિસ્સામાં 299 છાત્રો સુનાવણી દરમિયાન દોષિત ઠર્યા.

દાહોદ,દાહોદ જિલ્લામાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા સમાપ્ત થયા બાદ પરીક્ષામાં કોઈ વિધાર્થીએ ગેરરિતી કરી છે કે નહિ તે જાણવા માટે તેમની શંકાસ્પદ હિલાચાલો જોવા સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે ચકાસણી દરમિયાન ધો-10ના 299 છાત્રો ચોરી કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. સુનાવણી દરમિયાન ચાર છાત્રો જે પોતાને નિર્દોષ સાબિત કરી શકયા હતા. દોષિત સાબિત થયેલા આ તમામનુ એક વિષયનુ પરિણામ રોકી દેવામાં આવશે.

દાહોદ જિલ્લામાં ધો-10ના 18 કેન્દ્રોમાં 87 બિલ્ડિંગો ઉપર 25,428 વિધાર્થીઓ નોંધાયા હતા. જયારે લીમખેડામાં 11 કેન્દ્રોની અંદર 42 બિલ્ડિંગોમાં 13,925 વિધાર્થીઓ નોંધાયા હતા. આ વિધાર્થીઓમાંથથી કેટલાક વિધાર્થીઓ વિવિધ કારણોસર ગેરહાજર રહ્યા હતા. પરીક્ષામાં કોઈ ક્ષતિ કે ગેરરિતી ન થાય તે માટે સીસીટીવી પણ ગોઠવી દેવામાં આવ્યા હતા. ત્યારે પરીક્ષા પુર્ણ થયા બાદ કયા વિધાર્થીઓ દ્વારા ગેરરિતી કરવામાં આવી છે તે જાણવા માટે સીસીટીવી કેમેરાનુ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. તપાસ દરમિયાન કેટલાક વિધાર્થીઓ શંકાસ્પદ વર્તણુંક વાળા મળી આવ્યા હતા. જેમાં ધો-10ના શંકાસ્પદ વર્તણુંકવાળા 303 વિધાર્થીઓને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં દાહોદ કેન્દ્રના 182 વિધાર્થીઓને સુનાવણીમાં બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર 4 જ પોતાને નિર્દોષ સાબિત કરી શકયા હતા. જયારે 186 સંતોષકારક પ્રત્યુત્તર આપી શકયા ન હતા. તેવી જ રીતે લીમખેડા કેન્દ્રના સુનાવણીમાં બોલવવામાં આવેલા 117 વિધાર્થીઓમાંથી એક પણ વિધાર્થી પોતાને નિર્દોષ સાબિત કરી શકયો ન હતો. આ તમામને સીસીટીવી બતાવી ખુલાસાઓ પુછવામાં આવ્યા હતા. જોકે કુલ 303 છાત્રોમાંથી માત્ર 4 જ છાત્ર પોતાને નિર્દોષ સાબિત કરી શકયા હતા. જયારે 299 વિધાર્થીઓ પોતાની શંકાસ્પદ વર્તણુંક અંગે સંતોષકારક જવાબ નહિ આપી તેઓ ચોરી કરતા હોવાનુ આડકતરી રીતે સ્વિકારી લીધુ હતુ જેથી તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ દોષિત ઠરેલા તમામ વિધાર્થીઓનુ એક વિષયનુ પરીણામ રોકવામાં આવશે તેવુ જાણવા મળ્યુ છે.