દાહોદ,દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં પશુ હાટ બજારમાં એક વ્યકિતને હાટમાં પ્રવેશવાની એન્ટ્રી ફી મામલે પાંચથી છ શખ્સોએ ભેગા મળી પાઈપો વડે તેમજ ગડદાપાટુનો માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
દાહોદ જિલ્લાના રણધિકપુર ગામે અનાજ ગોડાઉન પાછળ રહેતા અજીત યુસુફભાઈ ધાંચી લીમખેડા નગરમાં પશુ હાટ બજારમાં ત્રણ જેટલા બકરાઓ લઈ વેચવા ગયા હતા. તે સમયે હાટ બજારમાં પ્રવેશવાની એન્ટ્રી ગેટ પર ઉભેલા ઉમેશ ભરવાડ નામના વ્યકિતએ અજીત ધાંચી પાસેથી રૂ.30 એન્ટ્રી ફી માંગી હતી. જેથી અજીત ધાંચીએ 500 રૂપિયાની નોટ આપી હતી. ઉમેશભાઈએ રૂ.30 છુટા રૂપિયા તેની પાસે નથી અને તમે 500 રૂપિયા લઈને મને પાવતી આપી દો અને પાવતીની પાછળ રૂ.470 બાકી લખી દો, હુ પાછો લઈ જઈશ તેમ કહેતા ઉમેશ ભરવાડે કહેલ કે તમે રણધિકપુરવાળા બધા કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશન જવાની ટેવ ધરાવો છો, તમારી કાયમની માથાકુટ છે. તુ પાવતી લઈને પણ કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશનમાં જઈશ, મારે તને હાટમાં પ્રવેશ આપવો નથી. જેના કારણે અજીત ધાંચીએ ઉમેશ ભરવાડ વચ્ચે બોલાચાલી થઈ હતી. અને જોતજોતામાં ઉમેશ ભરવાડ અને તેની સાથે અન્ય પાંચથી છ જેટલા ઈસમો દોડી આવ્યા હતા અને અજીત ધાંચીએ પાઈપો વડે અને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત અજીત ધાંચીને તાત્કાલિક ધોરણે દાહોદની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ શહીદ જિલ્લા પોલીસને થતાં પોલીસ કાફલો લીમખેડા હાટ બજાર તેમજ રણધિકપુર ખાતે કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે દોડી ગયો હતો. આ સંબંધે અજીત યુસુફભાઈ ધાંચી દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.