પુરીના જગન્નાથ મંદિરના ’ખજાના’ની ચાવીઓ જ ખોવાઈ ગઈ! સરકાર-વિપક્ષ વચ્ચે ખેંચતાણ, મામલો હાઇકોર્ટ પહોંચ્યો

ભુવનેશ્ર્વર,ઓડિશામાં જગન્નાથ પુરીના તિજોરીની ચાવીને લઈને ભાજપ અને બીજેડી સરકાર વચ્ચે ખેંચતાણ શરુ થઈ છે. ઓડિશા હાઈકોર્ટે બીજેડી સરકારને ન્યાયિક તપાસ પંચના અહેવાલ વિશે જાણકારી આપવા કહ્યું છે. સામાજિક કાર્યર્ક્તા દિલીપ બરાલની અરજી પર સુનાવણી કરતા ૨૫ એપ્રિલે હાઈકોર્ટે રાજ્યના મુખ્ય સચિવ અને કાયદા સચિવને સરકાર વતી જવાબ આપવા જણાવ્યું હતું. આ મામલાની આગામી સુનાવણી ૧૦ જુલાઈએ થવાની છે. જો કે ખજાનાના આ રહસ્યને લઈને ભાજપ બીજેડી પર પ્રહારો કરી રહી છે.

પુરીના જગન્નાથ મંદિરમાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓની આશંકા છે. આ અંગે સવાલો ઉઠી રહ્યા છે. એવું કહેવાય છે કે મંદિરના આંતરિક રત્ન ભંડારની ચાવીઓ ગાયબ છે. આ દરમિયાન મંદિરની બે મહત્વની ફાઈલો ગુમ હોવાના અહેવાલો પણ આવ્યા હતા. હવે વિપક્ષ આ મુદ્દે પટનાયક સરકારને ઘેરી રહ્યો છે.

એએસઆઇની ટીમ ૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ રત્ન ભંડાર ખોલવા પહોંચી હતી, પરંતુ તેની ચાવી ન મળતા આ અંગે વિવાદ શરૂ થયો હતો. ભાજપના નેતા પિતાંબર આચાર્યએ કહ્યું કે સરકાર શા માટે મંદિરના અંદરના રૂમને ખોલવા માંગતી નથી. તેમણે કહ્યું કે એએસઆઇએ હાઈકોર્ટમાં કહ્યું છે કે આ રૂમને રિપેર કરવાની સખત જરૂર છે. આ રૂમમાં સુરક્ષિત રત્નો હજુ પણ છે કે નહી તે અંગે શંકા છે.

ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ગણેશ્ર્વર બેહરાએ પણ આ અંગે પ્રશ્ર્ન ઉઠાવ્યો અને કહ્યું કે આ મંદિરની સુરક્ષા ASIની જવાબદારી છે. જો રૂમમાં રીપેરીંગની જરૂર છે તો તેને તાત્કાલિક ખોલવી જોઈએ. તેમણે કહ્યું કે બીજેડી સરકાર જે રીતે કરી રહી છે, તેનાથી લાગે છે કે હવે રત્ન રૂમમાં સુરક્ષિત નથી. રાજ્યએ અહીં રાખવામાં આવેલા ખજાના વિશે બધાને જણાવવું જોઈએ.