દો ગુજરાતી ઠગ હૈ’ બદનક્ષી કેસ: રાહુલ ગાંધી પછી બદનક્ષી કેસમાં તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, મેટ્રો કોર્ટમાં ૮ મેના સુનાવણી હાથ ધરાશે

અમદાવાદ,‘દો ગુજરાતી ઠગ હૈ’ કહીને સમગ્ર ગુજરાતીઓનું અપમાન કરનારા બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે સામાજિક કાર્યકરે બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં કરી છે. જેમાં કોર્ટે ફરિયાદ દાખલ કરીને ફરિયાદીની ખરાઈ કરવા માટે આજે સુનાવણી હાથ ધરી હતી. ત્યારે કોર્ટ દ્વારા મેટ્રો કોર્ટમાં ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફરિયાદીએ કોર્ટમાં સીડી અને પેન ડ્રાઇવના પુરાવા જરૂરી સર્ટિફિકેટ સાથે આપ્યા હતા. તો આ મામલે હવે ૮ મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. રાહુલ ગાંધી પછી તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે.

આજે હરેશભાઈનું વેરિફિકેશન લેવામાં આવ્યું હતું. ત્યારબાદ દલીલો કરવામાં આવી હતી. જેમાં ૮ મેના રોજ કેસ ઓર્ડર પર રાખેલો છે. ઓર્ડરની અંદર ગમે તેવી માગણીઓ કરી છે જેમાં એડમીશનના આધારે, ગમે તેવા પૂરાવાઓને આધારે કોર્ટ પાસે બે જ વિકલ્પ છે. એક ૨૦૨ની ઇક્ધવાયરી અથવા ૨૦૪ હેઠળ પ્રોસેસ. હોઇકોર્ટને સુપ્રીમ કોર્ટના નિર્દેશ ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે, આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોય ત્યારે હાઇકોર્ટે તેને હળવાશથી લેવું ન જોઈએ. બંધારણની જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિ સમાન હક ધરાવે છે.

તેજસ્વી યાદવ પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે બદનીક્ષીના કેસમાં ૨ વર્ષની સજા ફટકારી છે, જેની સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં હુકમ રદ કરવા માટે પિટિશન કરી છે. સામાજિક કાર્યકર અને ઓલ ઇન્ડિયા એન્ટી-કરપ્શન એન્ડ ક્રાઇમ પ્રિવેન્ટિવ કાઉન્સિલમાં ઉપપ્રમુખ તરીકે માનદ્ સેવા આપતા હરેશ મહેતાએ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૯૯ અને ૫૦૦ (બદનક્ષી)ની ફરિયાદ કરી છે. ફરિયાદની સાથે ન્યૂઝ ચેનલના ફૂટેજ પણ મૂક્યા છે. ફરિયાદમાં એવી રજૂઆત કરાઇ છે કે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ છે. તેમણે થોડા સમય પહેલાં મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે ‘જોભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સીર્ફ ગુજરાતી હી ઠગ હો સક્તે હૈ, હો સકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઇ.સી કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લેકે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા’

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેજસ્વી યાદવનો સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ છે. તેમણે ૨૨ માર્ચ ૨૦૨૩ના રોજ આ નિવેદન આપ્યું હતું. અરજદારે ભારતીય દંડસંહિતાની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ ફરિયાદ નોંધાવી છે. અરજદારે જણાવ્યું છે કે નાયબ મુખ્યમંત્રી અને જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે એ યોગ્ય નહીં. એ અંતર્ગત બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરાઈ છે.

એ યાદ રહે કે મોદી સરનેમ બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા થયા બાદ દેશમાં અપરાધિક માનહાનિના કેસોનું પૂર આવ્યું છે. ગુજરાતની સુરત કોર્ટના નિર્ણય બાદ પોતાની સીટ ગુમાવનાર રાહુલ ગાંધીને હજુ સુધી કોઈ રાહત મળી નથી. રાહુલ ગાંધી હવે સજા પર સ્ટે માટે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા છે, રાહુલ ગાંધીએ હાઈકોર્ટમાં અપીલ કરી છે કે હાલમાં આ સજા પર સ્ટે આપવામાં આવે નહીં તો તેઓ નિર્દોષ છૂટશે તો પણ તેમની રાજકીય કારકીર્દી પૂરી થઈ જશે.

જ્યારે અન્ય વધુ બે માનહાનિના કેસ દાખલ કરવામાં આવ્યા છે. આમાં પહેલો કેસ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો છે અને તેમના પક્ષના સાથી રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ છે. બીજો કેસ બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. મોટો પ્રશ્ર્ન એ છે કે શું અન્ય બે માનહાનિના કેસ પણ રાહુલ ગાંધી કેસની જેમ સમસ્યા બનશે? જ્યારે ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે, ત્યારે એક વેપારી હરેશ મહેતાએ તેજસ્વી યાદવ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

પીએમ મોદીના ડિગ્રી કેસમાં હાઈકોર્ટના નિર્ણય બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત યુનિવર્સિટી સામે ખોટા તથ્યો રાખવા બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં તથ્યો અને સાક્ષીઓના નિવેદનોની ચકાસણી બાદ બંને નેતાઓ સામે સમન્સ જારી કરવામાં આવ્યા છે. જેમાં બંને નેતાઓને ૨૩ મેના રોજ કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. યુનિવર્સિટીનો આરોપ છે કે બંને નેતાઓની પ્રેસ કોન્ફરન્સથી યુનિવસટીની છબી ખરાબ થઈ છે અને લોકોમાં એવી છાપ ઊભી થઈ છે કે ગુજરાત યુનિવર્સિટી ખોટી માર્કશીટ બહાર પાડે છે.

ગુજરાતમાં બેક ટુ બેક માનહાનિના કેસોના પ્રશ્ર્ન પર દરેક પોતાનો અંગત અભિપ્રાયો આપે છે. આ બાબતે કેટલાક નિષ્ણાતો કહે છે કે, આ ત્રણેય કેસ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સામે નોંધવામાં આવ્યા છે.