- ઉમા કૃષ્ણૈયાએ સુપ્રીમમાં જામીનને રદ કરવા કરી અપીલ.
નવીદિલ્હી,બિહારનાં પૂર્વ સાંસદ આનંદ મોહન, તાત્કાલિન ડીએમ જી.કૃષ્ણૈયાની હત્યાનાં મામલામાં કથિત ધોરણે આરોપી હતાં જેમને હાલમાં જામીન મળી છે. તેમની જામીનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. જી.કૃષ્ણૈયાની પત્ની ઉમા કૃષ્ણૈયાએ આનંદ મોહનની જામીનને પડકારતી અરજી સુપ્રીમમાં દાખલ કરી છે.
ગોપાલગંજમાં મૃત્યુ પામેલા ડીએમ જી.કૃષ્ણૈયાની પત્ની ઉમા કૃષ્ણૈયાએ આનંદ મોહનને ફરી જેલમાં નાખવાની માંગ કરી છે. ઉમાએ બિહાર સરકારનાં નિયમોમાં બદલાવની નોટિફિકેશનને પણ રદ કરવાની માંગ કરી છે. આનંદ મોહનની જેલ મુક્તિ સામે સુપ્રીમ કોર્ટ ૮મી મેના રોજ સુનાવણી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આનંદ મોહનની જામીન બાદ ઉમાએ કહ્યું હતું કે જનતા આનંદ મોહનની જામીનનો વિરોધ કરશે, તેને ફરી જેલમાં મૂકવાની માંગ કરશે. તેમને મુક્ત કરવાનો નિર્ણય ખોટો છે. CMએ આ પ્રકારની પ્રવૃતિને પ્રોત્સાહન ન આપવું જોઈએ. ઉમા કૃષ્ણૈયાએ કહ્યું કે જો તે (આનંદ મોહન) ભવિષ્યમાં ચૂંટણી લજશે તો જનતાએ તેમનો બહિષ્કાર કરવો જોઈએ. હું તેમને ફરી જેલમાં મૂકવાની અપીલ કરું છું.
જી.કૃષ્ણૈયાની પુત્રી પદ્માએ પણ કહ્યું હતું કે ’આનંદ મોહનસિંહ આજે જેલથી છૂટ્યાં જે અમારા માટે ઘણી દુ:ખદ વાત છે. સરકારે આ નિર્ણય પર પુનવચાર કરવો જોઈએ. હું નીતીશ કુમારજીને વિનંતી કરું છું કે આ નિર્ણય પર ફરી વિચાર કરે. આ નિર્ણયનાં લીધે સરકાર એક ખોટું ઉદાહરણ આપી રહી છે. આ માત્ર એક પરિવાર નહીં, દેશ સાથે અન્યાય છે.’
બિહારની નીતિશ કુમાર સરકારે ૧૦ એપ્રિલે બિહાર જેલ મેન્યુઅલ ૨૦૧૨માં ફેરફાર કર્યો હતો. જે અંતર્ગત ફરજ દરમિયાન સરકારી કર્મચારીની હત્યાના કેસમાં જેલમાંથી છૂટવાની જોગવાઈ કરવામાં આવી હતી, જેના પર અગાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ બદલાવ બાદ આનંદ મોહનનો જેલમાંથી છૂટવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. ૨૭ એપ્રિલે આનંદ મોહન સહરસા જેલમાંથી મુક્ત થયો હતો. આનંદ મોહનની મુક્તિ સામે વિરોધ પક્ષોએ પણ વાંધો ઉઠાવ્યો હતો.
૧૯૮૫ બેચના આઇએએસ અધિકારી જી. કૃષ્ણૈયા મહબૂબનગરના રહેવાસી હતા, જે હાલના તેલંગાણામાં છે. ૫ ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ, જી કૃષ્ણૈયાને બિહારના મુઝફરપુરમાં ટોળાએ માર માર્યો હતો. ભીડને આનંદ મોહન લીડ કરી રહ્યા હતા. જેના કારણે આનંદ મોહન વિરુદ્ધ કોર્ટમાં સુનાવણી થઈ અને વર્ષ ૨૦૦૭માં ટ્રાયલ કોર્ટે આનંદ મોહનને ફાંસીની સજા સંભળાવી. જોકે, ૨૦૦૮માં પટના હાઈકોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. હવે બિહાર સરકારે નિયમોમાં ફેરફાર કરીને આનંદ મોહનને જેલમાંથી મુક્ત કર્યો છે, જેના પર હોબાળો મચી ગયો છે.