કોલકાતા,આરએસએસ અને તેની સંલગ્ન સંસ્થાઓનું કથિત સમર્થન ધરાવતું સિટિઝન એમ્પાવર્મેન્ટ ફોરમ પશ્ર્ચિમ બંગાળમાં ભ્રષ્ટાચારના મુદ્દા પર આગામી સપ્તાહે કોલકાતામાં એક મેગા રેલીનું આયોજન કરશે. બુદ્ધ પૂર્ણિમાના અવસરે ૫મેએ આ કાર્યક્રમ યોજાશે. ઉત્તર કોલકાતામાં સિમલા સ્ટ્રીટ ખાતે સ્વામી વિવેકાનંદના પૈતૃક ઘરની સામેથી એક રેલી કાઢવામાં આવશે.
મેગા રેલીના આયોજકોએ જણાવ્યું હતું કે તેમણે આ રેલી અને સભા યોજવા માટે શહેર પોલીસ પાસેથી પરવાનગી માગી છે. જો પોલીસ પરવાનગી નહીં આપે તો અમે તે મેળવવા માટે કોર્ટમાં જઈશું. આયોજકોએ આ કાર્યક્રમને શક્ય હોય ત્યાં સુધી બિનરાજકીય રાખવાનો નિર્ણય કર્યો છે. તેથી ભાજપના કોઇપણ નેતાને કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવશે નહીં.
૫ મેની રેલી અને સભામાં ખાસ કરીને ભ્રષ્ટાચારના મુદ્દા પર ફોક્સ કરાશે, પરંતુ તેમાં પશ્ર્ચિમ બંગાળમાં તણાવ અને રાજકીય હિંસાના મુદ્દા પણ ઉઠાવવામાં આવશે. આયોજકોનો દાવો છે કે ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી પછીથી ચાલુ થયેલી રાજકીય હિંસા હજુ પણ ચાલુ છે. વિશ્ર્વ હિંદુ પરિષદના પશ્ર્ચિમ બંગાળ એકમના પ્રભારી અને આ રેલીના આયોજક સચિન્દ્ર નાથ સિંઘાના જણાવ્યા અનુસાર પશ્ર્ચિમ બંગાળની હાલની સ્થિતિ એવી છે કે તમામ વર્ગના લોકોએ એકજૂથ થઈને ભ્રષ્ટાચાર અને હિંસાના મુદ્દાનો સંયુક્ત વિરોધ કરવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી પહેલનો કોઈ પણ પ્રકારનો રાજકીય હેતુ નથી. પશ્ર્ચિમ બંગાળમાં હાલમાં સંપૂર્ણ સામાજિક અવ્યવસ્થા વ્યાપી છે. અમે તમામ વર્ગના લોકોને સામેલ કરીને તેનો વિરોધ કરી રહ્યા છીએ.