સુરત,શહેરમાં ગુનાખોરીએ ફરી માથું ઉંચકયું હોય તેમ વહેલી સવારે ચિલઝડપની એક ઘટના સામે આવી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ફોનની ચિલઝડપ અને લૂંટની ઘટનાએ માઝા મૂકી છે. એકલ દોકલ માણસોને છરી બતાવી લૂંટ કરતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતના આંજણા વિસ્તારમાં ચા પીવા બાંકડા પર બેસેલા સંચા ખાતાના કારીગરને ચપ્પુ બતાવી મોબાઈલની લૂંટનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સુરતના આંજણા વિસ્તારમાં મોબાઈલની લૂંટનો બનાવ સામે આવ્યો હતો. શહેરમાં મોબાઈલ લૂંટારુએ ફરી આતંક મચાવ્યો છે. આંજણા ફ્રામ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચાની હોટલ પર બેઠેલા સંચાખાતાના કારીગર પાસેથી મોબાઈલ લૂંટવામાં આવ્યો છે. એક યુવકે ચપ્પુ બતાવી જાહેરમાં કારીગર પાસેથી મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું.
મળતી માહિતી પ્રમાણે, બંસી દાસ(ઉ.વ.૪૦) આંજણા ફાર્મ ખાતામાં સંચા કારીગર તરીકે કામ કરે છે. ગત ૨૯ એપ્રિલના રોજ સવારે ચાની દુકાન પર ચા પીવા માટે ગયો હતો. સાથી કારીગર સાથે બાંકડા પર બેસી ચા પીવા સાથે મોબાઈલમાં વીડિયો જોઈ રહ્યો હતો. દરમિયાન બાઈક પર બે યુવકો ઘસી આવ્યા હતા. જૈ પેકી એક યુવકે ચપ્પુ બતાવી ૫૦૦૦ની કિંમતના ફોનની લૂંટ ચલાવી હતી.
યુવકે પાછળના ભાગેથી મોટું ચપ્પુ બતાવી બંસીને કહ્યું હતું કે, ચલ મોબાઈલ દેદે, નહીં તો ચપ્પુ માર દું. ધમકી આપી યુવકના હાથમાંથી લૂંટ કરી દોડીને બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો. ગભરાઈ ગયેલા બંસીએ ખાતામાં જઈ અન્ય કારીગરોને જાણ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ખુલ્લેઆમ હાથમાં ઘાતક હથિયાર લઈને મોબાઈલની અજાણ્યા શખ્સે લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી બહાર આવ્યા હતા. જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ સચિનમાં મોબાઈલની લૂંટ ચલાવી હત્યા કરવામાં આવી હતી.