ભારત સરકારે આજે દેશમાં ઇમરજન્સી ઉપયોગ માટે પ્રથમ કોરોના વેક્સીન કોવિશીલ્ડને મંજૂરી આપી છે. હવે દેશમાં યુદ્ધના ધોરણે કોરોના રસીકરણની કામગીરી કરવામાં આવશે. દેશના કરોડો લોકોને કોરોના રસી મૂકવા માટે કરોડો સર્જિકલ સિરિંજની પણ આવશ્યકતા પડવાની હોવાથી સરકારે તેની માટેનો ઓર્ડર પહેલા જ આપી દીધી હતો.
દેશમાં રસી ઉપલબ્ધ થતાં રસીકરણ કાર્યક્રમમાં કોઈ સમસ્યાઓ ન આવે તે માટે ચાર રાજ્યોમાં રસીકરણની ડ્રાય રન સફળ રહ્યા પછી હવે દેશના બધા જ રાજ્યોમાં બીજી જાન્યુઆરીને શનિવારે પસંદગીના સ્થળો પર ડ્રાય રન થશે. આ સાથે કેન્દ્ર સરકારે ૮૬ કરોડ સિરિંજનો ઓર્ડર આપ્યો છે.
ભારતમાં કોરોનાની રસી ટૂંક સમયમાં મળવાની શરૂ થઈ જશે. આવા સમયમાં રસીકરણના કાર્યક્રમમાં કોઈ અવરોધો ઊભા ન થાય તે માટે દેશના બધા જ રાજ્યોમાં બીજી જાન્યુઆરીને શનિવારે પસંદગીના સ્થળો પર ડ્રાય રન થશે. અગાઉ સરકારે ૨૮મી અને ૨૯મી ડિસેમ્બરે ચાર રાજ્યો ગુજરાત, આંધ્ર પ્રદેશ, આસામ અને પંજાબમાં રસીની ડ્રાય રનનું સફળ આયોજન કર્યું હતું.
દરમિયાન ભારતમાં બ્રિટનથી આવેલા પ્રવાસીઓમાં મળેલા કોરોનાના નવા પ્રકારના દર્દીઓની સંખ્યા વધીને ૨૭ થઈ ગઈ છે. બધા જ ૨૭ કોરોના સંક્રમિત દર્દીઓને ફિઝિકલ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)માં વધુ ચાર કેસ અને દિલ્હી સ્થિત ઈન્સ્ટિટયૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટેગ્રેટીવ બાયોલોજી (આઈજીઆઈબી)માં એક કેસ સામે આવ્યો છે. આ દર્દીઓના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો, પ્રવાસીઓ અને અન્ય લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી ચાલી રહી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.