મુંબઇ,ભારતીય ક્રિકેટ ટીમમાં શાનદાર પ્રદર્શન કરીને નાની ઉંમરે જ પોતાની અલગ ઓળખ ઊભી કરનાર યુવા ઓપનરે પોતાના જ પગ પર કુહાડી મારી છે. આ યુવા ઓપનરે ટેસ્ટ ડેબ્યૂમાં શાનદાર સદી ફટકારી હતી અને વન ડે મેચમાં તથા ટી ૨૦ મેચમાં રમી ચૂકેલ પૃથ્વી શૉ હાલમાં ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
આઇપીએલ માટે પૃથ્વી શૉને ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્લેયર માનવામાં આવી રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સ તરફથી રમનાર આ યુવા ઓપનર પાસેથી શાનદાર ઈનિંગની આશા કરવામાં આવી રહી હતી, પરંતુ મેદાન પર કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળી હતી. પૃથ્વી શૉ ખૂબ જ ખરાબ રીતે લોપ થયા છે અને હાથમાં આવેલ તક ગુમાવી દીધી છે.
ઘરેલુ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી પૃથ્વી શૉને ભારતીય ટીમમાં પરત આવવાનો મોકો આપવામાં આવ્યો હતો. પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવ્યા પછી આ ઓપનર પાસે આઇપીએલમાં રમવા માટેની શાનદાર તક હતી. ૬ મેચમાં લોપ થયા પછી દિલ્હી કેપિટલ્સ તરફથી રમવાની પણ તક ગુમાવી દીધી છે.
પૃથ્વી શૉએ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ની શરૂઆતની ૬ મેચમાં સૌથી વધુ ૧૫ રન કર્યા છે. બે મેચમાં એક પણ રન કર્યા વગર પરત આવ્યા છે અને કેપ્ટનનો ભરોસો પણ ગુમાવી દીધો છે. સતત ખરાબ પ્રદર્શન કરવાને કારણે રિકી પોન્ટિંગે પૃથ્વી શૉને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધા છે. ૬ મેચમાં માત્ર ૪૭ રન કરીને ટીમને નિરાશ કરી દીધી છે.
પૃથ્વી શૉએ આ સીઝનની પહેલી મેચમાં લખનઉ સામે માત્ર ૧૨ રન કર્યા હતા. ત્યાર પછી ગુજરાત સામે ૭ રન કરીને પરત ફર્યા હતા અને રાજસ્થાન સામેની મેચમાં એક પણ રન કરી શક્યા નથી. મુંબઈ ઈન્ડિયન્સ સામે ૧૫ રન કર્યા અને પછી બેંગ્લોર સામેની મેચમાં એકપણ રન કર્યા વગર પરત આવ્યા હતા. કોલકત્તા સામેની મેચમાં ૧૩ રનની ઈનિંગ રમ્યા પછી કોચ અને કેપ્ટને પૃથ્વી શૉને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે.