ધર્મ પરિવર્તનનો દાવો સાબિત કરો અને જીતો ૧ કરોડ’ , શશિ થરૂરે ચેલેન્જ આપી

નવીદિલ્હી,સુદિપ્તો સેનના નિર્દેશનમાં બનેલી અને અદા શર્મા સ્ટાર ફિલ્મ ધ કેરલા સ્ટોરી રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ગઈ છે. ફિલ્મમાં કેરળની ૩૨ હજાર બિન મુસ્લિમ છોકરીઓના ધર્મ પરિવર્તન કરવા અને આઈએસઆઈએસ જેવા આંતકી સંગઠનના જાળમાં ફસાવવાની સ્ટોરી દેખાડવામાં આવી છે. પરંતુ ૩૨ હજાર આંકડાને લઈ હવે હંગામો શરુ થયો છે.

કોંગ્રેસ સાંસદ શશિ થરુરે એક ટ્વિટ કર્યું છે. તેની સાથે તેમણે એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, ૩૨ હજાર છોકરીઓનું ધર્મ પરિવર્તન અને સીરિયા જવાની વાતને સાબિત કરો. તમારા પુરાવા સબ્મિટ કરો. આ ચેલેન્જ પુરા કરનારને એક કરોડ રુપિયા આપવાનું વચન છે.

શશિ થરુરે લખ્યું કે, જે લોકો કેરળમાં ૩૨ હજાર છોકરીઓને ઈસ્લામ કબુલ કરવાની વાતને ઉછાળી રહ્યા છે. તેના માટે આ મામલો સાબિત કરવા અને પૈસા કમાવવાની મોટી તક છે. તેમણે કહ્યું કે, શું તે આ ચેલેન્જ સ્વીકારશે કે પછી તેની પાસે પુરાવા જ નથી, કારણ કે આવું કશું થયું જ નથી. શશિ થરુરે પોસ્ટમાં હેશટેગ પણ આપ્યું છે.

શશિ થરૂરની આ પોસ્ટ અનુસાર, જે લોકો ચેલેન્જ સ્વીકારીને એક કરોડ રૂપિયાનું ઇનામ જીતવા માગે છે તેઓ ૪ મેના રોજ કેરળના દરેક જિલ્લામાં કાઉન્ટર પર પુરાવા જમા કરાવી શકે છે.

જેના માટે જાહેર કરાયેલા પોસ્ટરમાં સમય પણ બતાવવામાં આવ્યો છે.૪ મેના સવારે ૧૧ કલાકથી રાત્રે ૫ વાગ્યા સુધી પુરાવાઓ જમા કરાવી શકશે. પોસ્ટર પર મુસ્લિમ યુથ લીગ કેરળ સ્ટેટ કમેટીનું નામ પણ છે. આ ચેલેન્જ મુસ્લિમ યુથ લીગ તરફથી આપવામાં આવી છે.