ગુજરાત બાર કાઉન્સિલ 31 વકીલના પરિવારને મૃત્યુ સહાય પેટે રૂ.90 લાખ ચુકવશે

ગુજરાત બાર કાઉન્સિલ 31 વકીલના પરિવારને મૃત્યુ સહાય પેટે રૂ.90 લાખ ચુકવશે. શુક્રવારે કાઉન્સિલની એડમિનિસ્ટ્રેટિવ કમિટીની બેઠક મળી હતી. 46 વકીલના વારસદારોએ મુત્યુ સહાય મેળવવા માટે અરજી કરી હોય, તેને લઈ અરજન્ટ બેઠક બોલવાઈ હતી અને અરજી પર નિર્ણય લેવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 46 માંથી હાલ 31 અરજીઓને કમિટીએ મંજૂરી આપી છે અને કાઉન્સિલની બે ફિક્સ ડિપોઝીટ તોડી મૃત્યુ સહાય ચૂકવવા નિર્ણય લેવાયો હતો. બેઠકમાં નિર્ણય કરાયો હતો કે, 31 વકીલના વારસદારોની અરજી નિયત ફોર્મમાં છે તથા તેઓએ રિન્યુઅલ ફી નિયમિત ભરી છે. તેથી તેમને 90 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન કિરીટ બારોટ, વાઇસ ચેરમેન શંકરસિંહ એસ. ગોહીલ, એકઝીકયુટીવ કમિટીના ચેરમેન ભરત ભગત, શિસ્ત કમિટીના ચેરમેન અનિલ કેલ્લાં તેમ જ સભ્ય દિપેન દવેએ માહિતી આપતા જણાવ્યું કે, GBC તરફથી 1/1/2020થી ગુજરાતના 328 જેટલાં મુત્યુ પામેલા વકીલોના વારસદારોને 8 કરોડ જેટલી રકમ એક જ વર્ષમાં ચુકવવામાં આવી છે. જોકે આ વર્ષે બાર કાઉન્સિલના વેલ્ફેર ફંડ તથા વેલ્ફર સ્ટેમ્પનું વેચાણ મળી માત્ર રૂપિયા 68 લાખનું ફંડ થયું છે. એડવોકેટ વેલ્ફેર ફંડની મેમ્બરશીપ ફીથી આશરે રૂપિયા 20 લાખ જેટલી આવક થઇ છે. આ વર્ષે કોરોનાની મહામારીના કારણે ગુજરાત બાર કાઉન્સિલનું વેલ્ફેર ફંડનું કુલ ભંડોળ માત્ર સાડા ચાર કરોડ રૂપિયા થયું હતું. જેથી બે ફિક્સ ડિપોઝીટ તોડી સમયસર સહાય ચુકવવા પ્રયાસ કરાયો છે. આ સિવાય ગુજરાત સરકારે વર્ષ 2020/21ના બજેટમાં ધારાશાસ્ત્રીઓ માટે રૂ.5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે તે મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

◆ વર્ષમાં કોરોના અને અન્ય બીમારીને લઈ 316 વકીલોને 65 લાખની માંદગી સહાય ચુકવાઈ

આજે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની વેલ્ફેર કમિટી ફોર ધી સ્ટેટની મળેલી મીટીંગમાં 29 વકીલોને રૂપિયા 5.41 લાખની માંદગી સહાય ચૂકવવાનો નિર્ણય કરાયો છે. જયારે આઠ વકીલોની મેડિકલ ખર્ચની રકમ વધુ હોવાથી વધુ સહાય મળે તે માટે ઇન્ડિજન્ટ કમિટીને પણ ભલામણ કરવામાં આવી છે. તેમજ 52 જેટલા વકીલોને કોરોના અને અન્ય બીમારી માટે રૂ.15 લાખ જેટલી રકમ ચુકવવામાં આવી છે. આમ આ વર્ષે 316 ધારાશાસ્ત્રીઓને કુલ રૂ.65 લાખની રકમ માંદગી સહાય પેટે ચુકવવામાં આવી છે. આ ઉપરાંત બાર કાઉન્સિલ દ્વારા ગુજરાતના 11000 જેટલા વકીલોને આ મહામારીમાં પાંચ-પાંચ હજારની સહાય ચુકવવામાં આવી જેની કુલ રકમ 5.5 કરોડ થાય છે.

◆ વકીલો 31મી જાન્યુઆરી સુધી વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી શકશે

વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરવાની સમય મર્યાદા વધારવામાં આવી છે. વકીલો 31મી જાન્યુઆરી સુધી વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી શકશે. ઘણા કિસ્સામાં વકીલોના વારસદારોને રિન્યુઅલ ફી નહીં ચુકવવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત બાર કાઉન્સિલમાં 43,000 વકીલો વેલ્ફેર ફંડના સભ્ય છે. જોકે, 2018-19માં 19,000 તથા સને 2019-20માં માત્ર 24,000 વકીલોએ વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી હતી.