મહેસાણા,વિદેશ જવા ઈચ્છા રાખતા લોકો ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં વધુ એક વાર કબૂતરબાજીમાં ફસાયેલા યુવકે ૪૫ લાખ ગુમાવ્યા છે. કેનેડા મોકલવાનું કહી યુવક પાસેથી કબૂતરબાજોએ ૪૫ લાખ પડાવ્યા છે. કેનેડાના વિઝા આપવાનું કહી વિઝા કે પૈસા પરત ન આપતા પીડિતે આરોપી બ્રહ્મભટ્ટ અજય અને ઠક્કર મેહુલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહેસાણાના ચૌધરી આશિષ સંગ્રામ ભાઈએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ વધુ હાથ ધરી છે.
આ અગાઉ મહેસાણાના લીંચ ગામે રતન ગઢપરામાં રહેતા ૫૦ વર્ષીય પટેલ દિનેશકુમાર કાશીરામ કે જેમના પુત્ર સુનીલને અમેરિકા જવાની ઈચ્છા પૂરી કરવા ગમે તેમ કરીને રૂપિયા ૫૦ લાખ ભેગા કર્યા હતા. અને અમદાવાદના બે શખ્શો એ તેમને વિશ્ર્વાસ અપાવતા બંનેને રૂપિયા ૫૦ લાખ આપી પણ દીધા હતા. અમદાવાદના સોલા રોડ પર આવેલા ગૌરવ બંગલોઝમાં રહેતા પટેલ જીનલ રાજેન્દ્રભાઈ અને વાલના શિવસુખ નગરમાં રહેતા કલ્પેશ વ્યાસે ફરિયાદી પટેલ દિનેશભાઈને વિશ્ર્વાસ આપ્યો હતો કે તેઓ ગમે તેમ કરીને તેમના પુત્ર સુનીલને અમેરિકામાં ઘુસાડી દેશે. પણ દિનેશ પટેલના પુત્ર ને અમેરિકા જવાનું સપનું કદાચ સપનું જ રહી જશે એ એમને નહોતી ખબર.
અમેરિકા જવા સુનિલને અહીંથી રવાના પણ કરવાંમાં આવ્યો. પણ ત્રણ થી ચાર મહિના દુબઈમાં ગોંધી રાખી તેને માર મરાયો હતો. સુનિલએ તેના પિતાનો સંપર્ક કરતા ગમે તેમ કરીને સુનિલને પરત ઘરે બોલાવી દેવાયો હતો. દિવસો વીતતા ગયા. ૨૬ જૂન ૨૦૨૧ થી લઇ ને અત્યાર સુધી ના તો અમેરિકા જવાનો મેળ પડ્યો કે ના રૂપિયા પરત મળ્યા. દિનેશ પટેલને છેતરામણીનો અહેસાસ થતા પૈસા પરત પણ માંગ્યા પણ મળ્યા માત્ર ૫ લાખ અને બાકીના ૪૫ લાખ પરત નહિ આપતા દિનેશ પટેલે મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે આ બંને કબૂતર બાજો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.