
વડોદરા,પાદરા તાલુકામાં છેલ્લા પંદર દિવસથી ઉપરા-છાપરી બની રહેલા ચોરીના બનાવોએ હાહાકાર મચાવી મૂક્યો છે. પોલીસ તંત્રના રાત્રી પેટ્રોલીંગના ધજાગરા ઉડાવી રહેલા તસ્કરોએ સેજાકૂવા ગામમાં ધોળે દિવસે મકાનના તાળાં તોડી રૂપિયા રૂ.૪.૪૦ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીના બનાવને પગલે ગામમાં ચકચાર જગાવી મૂકી હતી.

મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકામાં આવેલા સેજાકૂવા ગામમાં નિરાલીબેન ઉર્વેશ પટેલ પરિવાર સાથે રહે છે. તેઓ બપોરના સમયે પોતાના મકાનને તાળું મારી ગામમાં રહેતા અન્ય એક વ્યક્તિના ઘરે સમયે જમવા ગયા હતા. તે દરમિયાન કોઇ શખ્સોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. અજાણ્યા શખ્સોએ મુખ્ય દરવાજાને મારેલું તાળું કોઇ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. અને તિજોરીમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના ચોરી ગણતરીની મિનિટોમાં રવાના થઇ ગયા હતા.
ઘરે પરત ફરેલા નિરાલીબેન ઘરના દરવાજાનું તાળું તૂટેલું જોતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન ઘરમાં જઇ તપાસ કરતા તિજોરીનો સામાન પણ વેરણ-છેરણ જોતા સ્તબ્ધ થઇ ગયા હતા. બાદમાં તેઓએ તિજોરીમાં તપાસ કરતા રૂ.૪.૪૦ લાખની કિંમત સોના-ચાંદીના દાગીના જોવા ન મળતા ઘરમાં ચોરી થઇ હોવાનું જણાયું હતું.
દરમિયાન નિરાલીબહેન પટેલના ઘરમાં ચોરી થયાની જાણ સ્થાનિક લોકોને થતાં લોકો દોડી આવ્યા હતા. તે સાથે આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને નિરાલીબહેન પટેલ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા માટે ડોગસ્ક્વોડ અને એફ.એસ.એલ.ની પણ મદદ લીધી છે.
સેજાકૂવા ગામમાં બનેલા ચોરીના બનાવે ગામમાં ચકચાર જગાવી મૂકી હતી. તે સાથે ગ્રામજનોમાં ગભરાટ પણ ફેલાવી દીધો હતો. પાદરા પોલીસે નિરાલીબેન પટેલની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ધોળે દિવસે સેજાકૂવા ગામમાં બનેલા ચોરીના આ બનાવમાં કોઇ જાણભેદુ હોવાનું પોલીસનું અનુમાન છે.
ઉલ્લેખનિય છે કે, ત્રણ દિવસે પૂર્વે જ પાદરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા ખંડેરાવપુરા ગામમાં રૂપિયા ૫ લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી. લાખ તે પહેલાં પાદરાની સર્વોદય સોસાયટીમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. આમ દિન પ્રતિદિન ચોરીના બનાવો બનતા પાદરા પોલીસ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તસ્કરોને પોલીસનો ડર રહ્યો નથી તે રીતે તસ્કરો ચોરીઓ કરી રહ્યા છે.