દાહોદ,દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સાપોઈ ગામના રહેવાસીઓ દ્વારા સાપોઈ ગામના માછનનાળા જળાશયના વિસ્થાપિતોને જમીન ન મળતા આજરોજ લીમડી ઝાલોદ હાઇવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક પોલીસથી લઈ જિલ્લા પોલીસને થતા પોલીસ કાફલો લીમડી ઝાલોદ હાઇવે ખાતે પહોંચી ગયો હતો.
ઝાલોદ તાલુકાના સાપોઈ ગામના સ્થાનિક લોકોને સાપોઈ ગામના માછણ નાળા જળાશયના વિસ્થાપિતોને જમીન ન મળતા એક વર્ષ પૂર્વે મુખ્યમંત્રીથી લઇ ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી જમીન આપવા અને કવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકોની રજૂઆતને આજ દિન સુધી ધ્યાનમાં લેવામાં ન આવતા આખરે સાપોઈ ગામના ગ્રામજનો દ્વારા આજરોજ એક મે રોજથી રસ્તા રોકો આંદોલન તેમજ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે આજે લીમડી ઝાલોદ હાઇવે પર સાપોઈ ગામના રહેવાસીઓ દ્વારા ચક્કા જામ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક પોલીસથી લઈ જિલ્લા પોલીસને થતા પોલીસ કાફલો લીમડી ઝાલોદ હાઇવે પર દોડી ગયો હતો.