જદયુના પૂર્વ નેતા અજય આલોક ભાજપમાં જોડાયા

નવીદિલ્હી,જેડીયુના પૂર્વ નેતા અજય આલોક ભાજપમાં જોડાયા છે. તેઓ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપમાં આવ્યા પછી મને લાગે છે કે હું મારા પોતાના પરિવારમાં આવ્યો છું જેના વડા મોદીજી છે. મારા માટે ગર્વની વાત હશે જો મારું એક ટકા પણ યોગદાન મોદીના વિઝન માટે આપી શકાય. ગત વર્ષે જૂનમાં જદયુએ અજયને પાર્ટીની બહાર નિવેદનો આપવા બદલ JDUમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. JDUમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ અજય આલોક ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પક્ડ્યુ હતું. તેઓ જાહેર મંચ પર સતત ભાજપની તરફેણમાં બોલતા જોવા મળ્યા હતા.

આ પહેલા અજય આલોક લાંબા સમય સુધી જદયુના પ્રવક્તા તરીકે કામ કરી ચુક્યા છે. તેમની ગણના મુખ્યમંત્રી નીતિશ કુમારની નજીકના નેતાઓમાં થતી હતી. પ્રવક્તા તરીકે અજય આલોક વિરોધીઓ પર આકરા પ્રહારો કરતા હતા. લાલુ પ્રસાદ યાદવની વિચારધારાનો વિરોધ કરનારા અજય આલોક અવારનવાર પોતાના નિવેદનોથી આરજેડી સુપ્રીમો અને તેમના પરિવાર પર આકરા પ્રહારો કરતા રહે છે. જ્યારથી નીતીશ કુમાર ઓગસ્ટ ૨૦૨૨માં મહાગઠબંધનમાં જોડાયા હતા ત્યારથી અજય આલોક નારાજ ચાલી રહ્યા હતા. પાર્ટીએ આરસીપી સિંહ સાથેની તેમની નિકટતાને ટાંકીને તેમનું રાજીનામું માંગ્યું હતું. સાથે જ અજય આલોકે પણ JDUમાંથી રાજીનામું આપી દીધું હતું.