સગી બહેને જ ભાઈના ઘરમાં ખાતર પાડ્યું:પરિણીત બહેને સગા ભાઈના ઘરમાંથી ૧૬.૨૯ લાખના દાગીના ચોરી પ્રેમીને આપી દીધા

ગાંધીનગર,કલોલમાં રહેતા અને ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનનાં ઘરમાં સગી બહેને જ ખાતર પાડ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ભાઈની ગેરહાજરીમાં બહેન ઘરે જઈને રૂ. ૧૬.૨૯ લાખના દાગીના ચોરીને પ્રેમીને આપી દેતી હતી. ત્યારે બનેવીએ પ્રેમી જોડે ભાગી ગઈ હોવાની જાણ કરતાં બહેનની કરતૂત ભાઈ સમક્ષ ખુલ્લી પડી ગઈ હતી.

હાલમાં રાજસ્થાન ખાતે ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતાં મૂળ કલોલના જવાનને બે બહેનો છે. જે પૈકી જયશ્રીના લગ્ન રાણીપ ખાતે કરવામાં આવ્યા હતા. ગત તા. છઠ્ઠી એપ્રિલના રોજ આર્મી જવાન પોતાની ફરજ ઉપર રાજસ્થાન ખાતે હતા. એ વખતે સાંજના સમયે બનેવીએ ફોન કરીને જાણ કરી હતી કે, તમારી બહેન જયશ્રી દિનેશ પરમાર નામના વ્યક્તિ જોડે ભાગી ગઇ છે.

આ સાંભળીને આર્મીમેન બીજા જ દિવસે નોકરી પરથી રજા લઈને રાજસ્થાનથી કલોલ આવવા માટે નીકળી ગયો હતો. એ દરમિયાન રસ્તામાં બહેનના પ્રેમી દિનેશ પરમારે ફોન કરીને જયશ્રી તેની સાથે હોવાની જાણ કરી જણાવ્યું કે, તમારા ઘરના સોના ચાંદીના દાગીના અમે ગીરવે મૂકેલા છે અને પૈસા વાપરી કાઢ્યા છે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.

બાદમાં આર્મીમેને ઘરે જઈને વૃદ્ધ દાદીને જયશ્રી વિશે પૂછતાંછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, જયશ્રી ત્રીજી એપ્રિલના રોજ બપોરના સમયે એક રિક્ષાવાળા સાથે ઘરે આવી હતી અને માળીયા ઉપર કઈક શોધખોળ કરતી હતી. આ સાંભળી આર્મી જવાને તુરંત માળીયામાં મુકેલ લોખંડની પેટીમાં તપાસ કરતાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

માળીયા રાખેલી લોખંડની પેટીમાંથી ત્રણ તોલાનો સોનાનો સેટ, એક સોનાનો સેટ બુટ્ટી સાથેનો, સોનાનો બાજુબંધ, સોનાનુ ડોકીયુ, સોનાનો હાથનો પંજો, સોનાના પાટલા નંગ-૨, પ્લાસ્ટીકના સોનાની ચીપવાળા પાટલા નંગ-૨, સોનાનુ લકી, સોનાની બુટ્ટી, એક સોનાનો માંગનો ટીકો, કાનની સોનાની સેર નંગ-૨, એક સોનાનો દોરો (ચેઇન)આશરે અઢી તોલા વજન અને અન્ય બીજા સોનાના દોરા તથા સહારા ઇન્ડીયા લીમીટેડ કંપનીના ડોકયુમેન્ટ અને બીલો પણ ચોરાઈ ગયા હતા. તેમ છતાં આર્મી જવાનને પોતાની નાની બહેન જયશ્રીએ ચોરી કરી હોવાનો વિશ્ર્વાસ આવતો ન હતો અને તે તેની શોધખોળ કરવા લાગી ગયો હતો.

બીજી તરફ જયશ્રી ગુમ થવા બાબતે બનેવીએ રાણીપ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. ત્યારે રાણીપ પોલીસ મથકમાં હાજર થયેલી જયશ્રીએ કબૂલાત કરેલી કે દિનેશ પરમાર જોડે પ્રેમ સંબંધ છે અને પ્રેમી દિનેશને પૈસાની જરૂર હોવાથી છેલ્લા છ મહિનાથી થોડા થોડા કરીને ઉક્ત તમામ દાગીના ઘરમાંથી ચોરીને દિનેશને આપ્યા હતા. જે દાગીના દિનેશે અલગ અલગ ફાયનાન્સ કંપનીઓમાં તેમજ જવેલર્સની દુકાનમાં ગીરવે મુકી દીધા છે. આમ સગી નાની બહેને પ્રેમી સાથે મળીને ઘરમાંથી ૧૬.૨૯ લાખના દાગીના ચોરી લેતાં કલોલ શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.