યુવાઓમાં ડિપ્રેશન-આપઘાત જેવા મામલા હસવાની વાત નથી, પ્રિયંકા ગાંધી

નવીદિલ્હી,કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષભર્યા અંદાજમાં નારાજગી વ્યક્ત કરતા તેમની આકરી ટીકા કરી હતી. તેમણે વડાપ્રધાનનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં પીએમ મોદી એક જોક સંભળાવી રહ્યા છે. આ જોક પર પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી સામે નિશાન તાક્યું હતું.

આ જોકમાં પીએમ મોદીએ એક યુવતી તેના પ્રોફેસરના પિતાના નામે પત્ર છોડી જાય છે કે તે આપઘાત કરવા જઈ રહી છે. પીએમએ કટાક્ષમાં કહ્યું કે પિતા પરેશાન દીકરીનો પત્ર જોઈ ગુસ્સે થઈ જાય છે, એટલા માટે નહીં કેમ કે તે આપઘાત કરવા જઈ રહી છે પણ એટલા માટે કે તેણે પત્રમાં એક શબ્દનો સ્પેલિંગ ખોટો લખ્યો હતો. પીએમના આ જોક પર લોકો ખૂબ હસ્યાં હતા પણ પ્રિયંકા ગાંધીએ આપઘાત જેવા ગંભીર મુદ્દે એક પીએમ દ્વારા જોક સંભળાવવાને ગંભીર મામલો ગણાવ્યો હતો.

પ્રિયંકા ગાંધીએ એક વીડિયોમાં લખ્યું કે ડિપ્રેશન અને આપઘાત જેવા વિષયો પર જોક્સ હસવાની વાત નથી. તેમણે એનસીઆરબીના આંકડાનો હવાલો આપતા કહ્યું કે ૨૦૨૧માં ૧ લાખ ૬૪ હજાર ૩૩ ભારતીયોએ આપઘાત કર્યા હતા. જેમાંથી એક મોટાભાગના લોકો ૩૦ વર્ષ કે તેનાથી નાની વયના લોકો હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ એક ત્રાસદી છે, મજાક નહીં. કોંગ્રેસ મહાસચિવે વડાપ્રધાન સાથે એ લોકો સામે નિશાન તાક્યું કે જે પીએમના જોક્સ પર હસી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ પ્રકારના અસંવેદનશીલ લોકોએ માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓની મજાક બનાવવાની જગ્યાએ ખુદને સારી રીતે શિક્ષિત કરવા જોઈએ અને બીજાને પણ આવા મુદ્દા પ્રત્યે જાગૃત કરવા જોઈએ.