
નવીદિલ્હી,પાકિસ્તાન અત્યારે જબરદસ્ત આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે એવા સમયે એક મીડિયા રિપોર્ટમાં જમ્મુ-કાશ્મીરના લોકોને લઈને ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે જમ્મુ-કાશ્મીરમાંથી અનેક લોકોએ પાડોશી દેશ પાકિસ્તાનનાં મોટાં શહેરોમાં અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. પાકિસ્તાનમાં અત્યારે બેરોજગારી અને મોંઘવારીનો દર આકાશને આંબી ગયો છે ત્યારે પણ એવા સમયે જમ્મુ-કાશ્મીરમાંથી ભારતીયોએ ઇસ્લામાબાદ, કરાચી, લાહોર અને અન્ય કેટલાંક શહેરોમાં અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. પાકિસ્તાનના એક મીડિયા રિપોર્ટમાં આ વાત જણાવવામાં આવી છે.
આવી સ્થિતિમાં કાશ્મીરીઓ પાકિસ્તાનમાં રહેતા કાશ્મીરીઓની મદદથી પાકિસ્તાનમાં રોકાણ કરી રહ્યા છે. જોકે, પીઓકે અને ગિલગિટ-બાલ્તિસ્તાનમાં રહેતા રોકાણકારોને પાકિસ્તાનમાં રહેવા માટે ઘર પણ મળતું નથી. આ મીડિયા રિપોર્ટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે છેલ્લા એક મહિનામાં ડઝનેક કાશ્મીરી રોકાણકારોને મારી નાખવામાં આવ્યા છે. જોકે, પાકિસ્તાન કે ગિલગિટ-બાલ્તિસ્તાન કે પીઓકેની ઑથોરિટીઝ આવા અપરાધોની નોંધ પણ લેતું નથી. એટલે જ આ રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે કે પીઓકે, ગિલગિટ-બાલ્તિસ્તાન અને જમ્મુ-કાશ્મીરના રોકાણકારોને તેમનાં જીવન અને રોકાણ બચાવવા માટે તેમના વિસ્તારોમાં જ લોકલી રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર કાઉન્સિલના મેમ્બર આઝમ ખાન જેવી અગ્રણી વ્યક્તિની પાકિસ્તાનમાં ધોળા દિવસે હત્યા થઈ હતી તો પછી સામાન્ય રોકાણકારોનું શું ગજું. આઝમ ખાને પાકિસ્તાનમાં ટ્રિલ્યન્સ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પાકિસ્તાનમાં માર્ચમાં મોંઘવારીનો દર ૩૫ ટકા પર પહોંચી ગયો હતો. ફૂડ પ્રોડક્ટ્સની કિંમતોમાં તો ૪૭ ટકાથી વધુનો વધારો થયો છે.