રેતી ભરેલી ટ્રકોથી અકસ્માતના બનાવો બાદ મોટી કાર્યવાહી : ૧૮ ટ્રક જપ્ત; નર્મદા નદીમાંથી ૪૮ નાવડી પણ કબજે

ભરૂચ,ભરૂચ તાલુકાના અસુરિયા ગામના વૃદ્ધ પરિવારમાં લગ્નપ્રસંગ હોવાથી કંકોત્રી આપવા માટે નીકળ્યાં હતાં પણ નારેશ્ર્વર પાસે જ રેતી ભરેલાં ડમ્પરે ટકકર મારતાં તેમના રામ રમી ગયાં હતાં. બેફામ બનેલાં રેતી માફિયાઓ સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ટવીટ કરીને પૂછયું હતું કે, રેત માફિયાઓ હજી કેટલા ગરીબ પરીવારોની બલી ચઢાવશો, હું ગુરૂવારથી ધરણા પર બેસીસ. કોઇ મોટી હોનારત થાય કે કોઇના ઘરનો જીવનદીપ બુઝાઇ જાય પછી કાર્યવાહી માટે જાણીતાં ખાણ અને ખનીજ વિભાગને અચાનક પોરસ ચઢયું હતું અને બુધવારે નારેશ્ર્વર વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

એક જ દિવસમાં નર્મદા નદીમાં રેતીનું ખોદકામ કરતી ૪૩ નાવડીઓ જપ્ત કરવામાં આવી હતી આ ઉપરાંત રેતીનું વહન કરતી ઓવરલોડ ટ્રકો જપ્ત કરવામાં આવી છે. તેમજ નિયમોના ભંગ બદલ ૫૦ વાહનો પાસેથી ૪.૯૦ લાખ રૂપિયા ઉપરાંતનો દંડ વસુલવામાં આવ્યો હતો. સાંસદ મનસુખ વસાવાના રોષનો અગાઉ અધિકારીઓ ભોગ બની ચુકયાં હોવાથી તેમણે તાબડતોડ રેતી માફિયાઓ સામે સપાટો બોલાવી દીધો હતો.

કરજણ પ્રાંત અધિકારી આશિષ મીયાત્રા કરજણ પોલીસ સ્ટેશન પીઆઈ એ.કે. ભરવાડ તેમજ ખાણ ખનીજ ખાતાના સુનિતા અરોરા, આરટીઓ અધિકારી સી. આર .પટેલ દ્વારા સંયુક્ત ઓપરેશન થકી કરજણ નર્મદા નદી ભુમાફિયાઓ પર સપાટો બોલાવવામાં આવ્યો હતો. નર્મદા નદીના વહેતા પાણીમાં ચાલતી ૪૩ ગેરાયદેસર નાવડીઓ જપ્ત કરવામાં આવી છે.

ઓવરલોડ જતી ૧૮ ટ્રકોને જપ્ત કરવામાં આવી છે. જ્યારે પોલીસે ૫૦ જેટલા વાહનોની ટ્રાફિક નિયમનનો ભંગ બદલ ૨૪,૫૦૦ નો દંડ સ્થળ પર જ દંડવસુલ કરવામાં આવ્યો હતો છે. આરટીઓ દ્વારા ૩૫ વાહનો ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ ૪,૩૮,૫૦૦ દંડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો હતો. કરજણ- નારેશ્ર્વર રોડ પર એક વર્ષમાં પાંચ લોકોના મોત થયા બાદ તંત્રએ કુંભકર્ણની નિંદ્રા ત્યજી કાર્યવાહી હાથ ધરી છે.

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નારેશ્ર્વર પાસે થયેલાં અકસ્માત બાદ વડોદરા જિલ્લા કલેકટરને ફોન કરી કાર્યવાહી કરવા જાણ કરી હતી. જયારે કોઇનું મોત થાય પછી જ તંત્ર જાગે છે. રેતી ભરેલી ઓવરલોડ ટ્રકો તથા રેતી માફિયાઓ સામે કાર્યવાહી થતાં ગુરૂવારના મારા નારેશ્ર્વર ખાતેના ધરણા રદ કરવામાં આવે છે પણ અધિકારીઓને કહેવા માંગુ છું કે, એક સપ્તાહ પછી નારેશ્ર્વરની આકસ્મિક મુલાકાત લઇશ અને રેતીની ઓવરલોડ ટ્રકો જોવા મળશે તો ફરી પગલાં ભરીશ.

એક વર્ષ અગાઉ ઝનોર ગામના બે વ્યકતિઓના નારેશ્ર્વર રોડ પર ડમ્પરની ટકકરે મોત થયાં હતાં ત્યારે સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર સહીતના અધિકારીઓને જાહેરમાં ગાળો ભાંડી હતી. જે તે સમયે હાલના વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીષ નિશાળિયાએ પણ ગેરકાયદે રેતી ખનન અંગે ફરિયાદો કરી હતી. ઘટના બાદ આ જ રીતે વાહનો ડીટેઇન કરાયાં હતાં પણ બાદમાં રેતી માફિયાઓને છૂટો દોર મળી ગયો હતો.