ગોધરાથી દરૂણિયા ગામ જવાનો રસ્તો બિસ્માર : ચોમાસા પહેલા આર.સી.સી.માર્ગ બનાવવા માંગ

ગોધરા શહેરથી દરૂણિયા ગામ તેમજ અન્ય ગામો તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. જેને આર.સી.સી.માર્ગ બનાવવા ગ્રામજનોએ માંગ કરી છે.

ગોધરા શહેરથી દરૂણિયા ગામ તરફ જવાનો માર્ગ તદ્દન બિસ્માર હાલતમાં છે. આ માર્ગ ઉપરથી દેવતલાવડી મંદિર, વિજય ઈન્ટરનેશનલ સ્કુલ, વિજય ક્રિકેટ એકેડમી અને વિશાળ કેમ્પસ તેમજ દ‚ણિયા ગામ આવેલુ છે. આ રસ્તા સાથે બીજા નાના ગામો સંકળાયેલા છે. જયાં મોટી સંખ્યામાં ગ્રામજનો, શ્રદ્ધાળુઓ તેમજ સ્કુલમાં અને કેમ્પસમાં આવતા-જતા વિદ્યાર્થીઓની સાથે રાહદારીઓ, વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. જે માર્ગ ખખડધજ સાથે બિસ્માર હોવાના કારણે અહિંથી પસાર થતાં હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ માર્ગને ચોમાસા પહેલા તાત્કાલિક અસરથી પાકો આર.સી.સી.બનાવવામાં આવે તો લોકોને ચોમાસાની સીઝનમાં ભારે રાહત મળી શકે તેમ છે. અને આ માર્ગ વહેલી તકે પંચમહાલ જિલ્લાના વહીવટી તંત્રના સંબંધિત વિભાગ દ્વારા ધ્યાન ઉપર રાખી બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.