ખેડૂતો સાથે સરકારની બેઠક પહેલાં જ અમિત શાહે કર્યુ આજે આ મોટું કામ

ખેડૂત આંદોલનકારીઓ સાથેની કાલની મહત્વની ચર્ચા પહેલા આજે ગૃહપ્રધાન અમિત શાહે કૃષિ પ્રધાન તોમર અને રેલવે મંત્રી પિયુષ ગોયલ સાથે બેઠક કરી હતી, એવી શક્યતાઓ છે કે કાલની ખેડૂતો સાથેની મીટિંગ પહેલા આ બેઠક સરકારની પોઝિશન ફાઇનલ કરવા માટે મહત્વની હોઈ શકે છે.

  • ગૃહપ્રધાન અમિત શાહે કૃષિ મંત્રી તોમર અને રેલવે મંત્રી ગોયલ સાથે કરી બેઠક
  • કાલે સરકાર સાથે ખેડૂત આંદોલનકારીઓની યોજાવા જઈ રહી છે મહત્વની બેઠક
  • કૃષિ કાયદાઓને રદ્દ કરવાની માંગણી લઈને ચાલી રહેલું કૃષિ આંદોલનનું આજે 34 મો દિવસ

નોંધનીય છે કે કાલે એટલે કે 30 ડિસેમ્બરે સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે કૃષિ કાયદાઓ ને લઈને એક મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે, આ વખતે પીએમ મોદીની વિનંતી અને કૃષિ પ્રધાનના પત્ર અને સરકારના ચર્ચા માટેના આમંત્રણને ખેડૂત સંગઠનોએ સ્વીકારી લીધું હતું અને ચર્ચા કરવા માટેની તૈયારી બતાવી હતી. આવતી કાલે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ ચર્ચા યોજાશે.

5 મી ડિસેમ્બરે યોજાઇ હતી છેલ્લી ચર્ચા, સહમતિ સધાઈ નહોતી

મહત્વનું છે કે આ પહેલા પણ આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચ રાઉન્ડની ચર્ચા યોજાઈ ચૂકી છે જેમાં છેલ્લી ચર્ચા 5મી ડિસેમ્બરે યોજાઈ હતી, પરંતુ આ બેઠકોમાં સરકાર અને ખેડૂતો વચ્ચે સહમતિ સાધી શકાઈ નહોતી, આ ચર્ચાનો છઠ્ઠો રાઉન્ડ 9મી ડિસેમ્બરે યોજાવાનો હતો, પરંતુ 8મી ડિસેમ્બરના ભારત બંધ પછી કોઈ કારણોસર તે યોજાઈ શકી નહોતી અને ખેડૂત આંદોલનકારીઓએ આંદોલનને તીવ્ર બનાવવાની ચીમકી આપી હતી.

34 માં દિવસે પણ અણનમ ખેડૂત આંદોલન

દિલ્હીની ભાગોળે હજારો ખેડૂત આંદોલનકારીઓ સાથે ચાલી રહેલું ખેડૂત આંદોલન આજે 34 માં દિવસે પણ અણનમ રહ્યું હતું અને સરકાર સામે કૃષિ કાયદાઓને રદ્દ કરવાની માંગણીને લઈને ખેડૂતોએ નમતું જોખવાની ના પાડી હતી. જો કે હવે ખેડૂતોની આ માંગણીને લઈને કાલની ચર્ચામાં શું પરિણામ આવશે તેના પર આંદોલનનું ભવિષ્ય નિર્ભર કરે છે. સરકાર તરફથી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ, નરેન્દ્ર્સિંહ તોમર અને સોમ પ્રકાશ સરકારનો પક્ષ રજૂ કરશે