વિધાનસભા અધ્યક્ષે બાકી રહેલી ૧૪ સમિતીઓની જાહેરાત કરી,ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સ્થાન મળ્યું

ગાંધીનગર,ગુજરાત વિધાનસભાની સમિતિઓના નામો જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સભ્યોના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમિતિની જાહેરાતની સાથે જ વિધાનસભામાં ઇતિહાસ રચાયો છે. જેમાં જાહેર હિસાબ સમિતિમાં આ વખતે સત્તાપક્ષને સ્થાન મળ્યું છે. તેના અધ્યક્ષ તરીકે જીતુ વાઘાણીની નિમણુંક કરાઈ હતી. પણ હવે અધ્યક્ષે બાકી રહેલી ૧૪ સમિતીઓની જાહેરાત કરી દીધી છે. જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિ અધ્યક્ષ તરીકે અલ્પેશ ઠાકોરની નિમણૂંક કરવામાં આવી છે.

વિધાનસભાના અધ્યક્ષે જે ૧૪ સમિતીઓની જાહેરાત કરી છે તેમાં ગૌણ વિધાન સમિતિ અધ્યક્ષ તરીકે અનિરુદ્ધ દવે, નિયમો માટેની સમિતિ અધ્યક્ષ તરીકે કિરીટ પટેલ, અ. જા. કલ્યાણ સમિતિ અધ્યક્ષ તરીકે માલતી મહેશ્ર્વરી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિ અધ્યક્ષ તરીકે અલ્પેશ ઠાકોર, સભ્યોની ગેરહાજરી બાબતોની સમિતિના અધ્યક્ષ તરીકે મહેશ ક્સવાલા, સદસ્ય નિવાસ સમિતિ અધ્યક્ષ તરીકે કેશાજી ચૌહાણ, મેજ ઉપર મૂકવાના કાગળો માટેની સમિતિ અધ્યક્ષ તરીકે શિવાભાઈ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે.

તે ઉપરાંત જાહેર હિસાબ સમિતીમાં કોંગ્રેસના બે સભ્યો અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાને સ્થાન અપાયું છે. આ સમિતીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત આહિરનો પણ સમાવેશ કરાયો છે. અંદાજ સમિતિના ચેરમેન તરીકે મનીષાબેન વકીલને જાહેર કરાયા છે. તેમજ અંદાજ સમિતિમા કોંગ્રેસના ડો.તુષાર ચૌધરીનો સમાવેશ કરાયો છે.

રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદમા કોંગ્રેસના અનંત પટેલને પણ સ્થાન મળ્યું છે. પંચાયતી રાજ સમિતિમાં પંકજ દેસાઈને અધ્યક્ષ બનાવાયા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પણ સ્થાન મળ્યું છે. રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદમા પી.સી.બરંડા અધ્યક્ષ બન્યા છે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સમિતિમાં કિરીટ પટેલ, હાર્દિક પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.