સજાતીય લગ્નોને માન્યતા આપો : ૪૦૦ માતા-પિતાનો સીજેઆઇને પત્ર

નવીદિલ્હી,સજાતીય લગ્નોને કાયદેસર માન્યતા આપવાની માગણી કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. આ અરજીઓની સુનાવણી ચાલી રહી છે. એવામાં સજાતીય સંબંધો ધરાવનારા લોકોના ૪૦૦ જેટલા માતા પિતાએ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડને પત્ર લખ્યો છે. અને સજાતીય લગ્નોને કાયદેસર માન્યતા આપવાની માગણીનું ખુલ્લુ સમર્થન કર્યું છે.

’સ્વીકાર ધ રેન્બો પેરેન્ટ્સ’ના ટાઇટલ સાથે લખવામાં આવેલા આ પત્રમાં દેશભરના એલજીબીટી કોમ્યૂનિટીના ૪૦૦ જેટલા માતા પિતાએ દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડને વિનંતી કરી છે કે સજાતીય લગ્નોને કાયદેસર માન્યતા આપવામાં આવે અને અમારા સંતાનોને સમાજમાં સમાન અધિકાર આપવામાં આવે.

માતા પિતાએ એવી પણ વિનંતી કરી છે કે અમારામાંથી ઘણાની ઉંમર ૮૦ વર્ષ થવા આવી છે. અમે જીવીત છીએ ત્યાં સુધીમાં અમને આશા છે કે ટૂંક સમયમાં અમારા સંતાનોના રેન્બો લગ્નોને કાયદેસર માન્યતા મળી જશે. સ્વીકાર ધ રેન્બો પેરેન્ટ્સ એક એલજીબીટી કોમ્યૂનિટીના માતા પિતાનું એક ગુ્રપ છે. જેમાં લેસ્બિયન, ગે, ટ્રાન્સજેન્ડર વગેરેના માતા પિતાનો પણ સમાવેશ થાય છે. સરકાર દ્વારા સજાતીય લગ્નોને કાયદેસર માન્યતા આપવાની માગણીનો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે એવા સમયે સજાતીય સંબંધો ધરાવનારાના માતા પિતા આગળ આવ્યા છે અને માગણીનો સ્વીકાર કરવા મુખ્ય ન્યાયાધીશને વિનંતી કરી છે.