કુસ્તીબાજો રોડ પર જ પ્રેક્ટિસ કરવા લાગ્યા

નવીદિલ્હી,રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રજભૂષણ શરણ સિંહ સામે જંતર-મંતર ખાતે છેલ્લા ચાર દિવસથી રેસલરોએ મોરચો માંડ્યો છે. તેમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત લગભગ એક ડઝન રેસલર માત્ર જંતર-મંતર પર વિરોધ નથી કરી રહ્યા પરંતુ રાત્રે ત્યાં જ સૂઈ રહ્યા છે અને નિયમિત ક્રિયાઓ પણ કરી રહ્યા છે. બુધવારે સવારે આ રેસલરોનો રોડ પર જ વોર્મ-અપ કરતો વીડિયો બહાર આવ્યો છે.

આ રેસલરો બ્રજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની અને ઉત્પીડનની તપાસ માટે રચાયેલી સમિતિના અહેવાલને જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. વિનેશ ફોગાટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ જંતર-મંતર પર અડગ રહેશે. ત્યાં જ ખાશે, ત્યાં સૂશે અને ત્યાં ક્સરત કરશે. વિરોધ કરી રહેલા એક રેસલરએ કહ્યું હતું કે તે પોતાની પ્રેક્ટિસ પણ અહીંથી શરૂ કરશે.

જાતિય સતામણી કેસમાં બ્રજભૂષણ સામે એફઆઈઆર નોંધવાની માગણી કરતા રેસલરો દ્વારા સુપ્રીમ કોર્ટનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અરજી પર કોર્ટે દિલ્હી પોલીસ પાસે જવાબ માંગ્યો છે. શુક્રવારે આ મામલે સુનાવણી થશે. બીજી તરફ બ્રજભૂષણે મૌન ધારણ કરી રાખ્યું છે. જોકે, તેમણે કહ્યું કે જો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે તો કોર્ટ જ નિર્ણય કરશે. બીજી તરફ ખાપ પંચાયતો પણ રેસલરોને સમર્થન આપવા જંતર-મંતર પહોંચવા લાગી છે. ૮ જાન્યુઆરીએ દિલ્હીના જંતર-મંતર પરથી આવી તસવીર સામે આવી હતી, જેણે બધાને ચોંકાવી દીધા હતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીતી ચૂકેલા ૨૦ જેટલા રેસલરોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ જભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલ્યો હતો. રેસલરો પાસે મહિલા રેસલરની જાતીય સતામણી, અભદ્રતા, પ્રદેશવાદ જેવા ગંભીર આરોપોની લાંબી યાદી હતી.