- આજે પૈતૃક ગામ બાદલમાં અંતિમસંસ્કાર થશે.
અમૃતસર,પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે રાત્રે ૯૫ વર્ષની વયે નિધન થયું છે. શ્ર્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને ૧૬ એપ્રિલે મોહાલીની ફોટસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ૨૫ એપ્રિલે સાંજે ૭.૪૨ વાગ્યે અંતિમ શ્ર્વાસ લીધા હતા.બાદલ દેશની રાજનીતિના સૌથી જૂના નેતા હતા. તેમના નિધન પર કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે, જેમાં દેશભરમાં ફરકાવવામાં આવેલો વજ બે દિવસ સુધી અડધો નમાવી દેવામાં આવશે. એ જ સમયે તમામ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. પંજાબમાં આવતીકાલે ગુરુવારે સરકારી રજા જાહેર કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે લગભગ ૧૨ વાગ્યે ચંદીગઢ પહોંચી ગયા અને તેમણે અહીં પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપી.
તેમના પાર્થિવદેહને અંતિમદર્શન માટે ચંદીગઢ સ્થિત શિરોમણિ અકાલી દળના કાર્યાલયમાં રાખવામાં આવશે. મોહાલીની ફોટસ હોસ્પિટલમાંથી તેમના પાર્થિવદેહને લઈને પરિવાર પાર્ટી ઓફિસ માટે રવાના થઈ ગયો છે. બપોરે ૧૨ વાગ્યા પછી ચંદીગઢથી ભટિંડા સુધી અંતિમયાત્રા કાઢવામાં આવશે. બીજી તરફ, આવતીકાલે એટલે કે ગુરુવારે તેમના અંતિમસંસ્કાર પૈતૃક ગામ બાદલ ખાતે બપોરે ૧ વાગે કરવામાં આવશે.
ભટિંડા-બાદલ રોડ પર કિન્નો બગીચામાં ૨ એકર જગ્યા ખાલી કરવામાં આવી રહી છે. ગામના સ્મશાનમાં જગ્યાના અભાવે તેમના અંતિમસંસ્કાર ખેતરમાં જ કરવામાં આવશે. પૂર્વ સીએમના નિધનની માહિતી મળતાં જ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર મોહાલીની હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સિવાય બીજેપી નેતા સુનીલ જાખડ પણ મોડી રાત્રે ફોટસ હોસ્પિટલ પહોંચ્યા અને અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલને મળ્યા હતા.
રાજકીય રીતે તેમનો દબદબો એવો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના ચરણ સ્પર્શ કરતા હતા. તેમણે ૭૫ વર્ષનું સફળ રાજકીય જીવન જીવ્યું. આ દરમિયાન તેઓ ૫ વખત પંજાબના મુખ્યમંત્રી બન્યા. તેઓ સતત ૧૧ ચૂંટણી જીત્યા હતા. ગયા વર્ષે તેઓ પોતાની સીટ લંબીથી હારી ગયા હતા. ત્યાર બાદ તેઓ રાજકીય રીતે બહુ સક્રિય નહોતા. કેન્દ્ર સરકારના કૃષિ સુધારા કાયદાનો વિરોધ થયો ત્યારે શિરોમણિ અકાલી દળે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. આ પછી પ્રકાશ સિંહ બાદલે તેમનું પદ્મ વિભૂષણ પરત કર્યું.
૨૦ વર્ષની વયે સરપંચ બન્યા પછી પ્રકાશ સિંહ બાદલ લગભગ ૭૫ વર્ષ સુધી રાજકીય જીવનમાં હંમેશાં રાજકારણના કેન્દ્રમાં રહ્યા. તેમને પંજાબ રાજ્યની રાજનીતિના બાબા બોહડ કહેવામાં આવતા હતા, જ્યારે કેન્દ્રમાં તેમની ગર્જના પણ હંમેશાં બુલંદ રહેતી હતી. તેઓ જનસંઘ અને ભાજપ તરફ વલણ ધરાવતા રાજકારણના અગ્રણી ચહેરાઓમાંના એક હતા. ભાજપે પણ તેમની ક્યારેય અવગણના કરી નથી. એમ છતાંય તેઓ કેન્દ્રના રાજકારણમાં લાંબો સમય ટકી શક્યા નહીં. માર્ચ ૧૯૭૭માં જ્યારે કેન્દ્રમાં મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકાર બની ત્યારે એમાં પ્રકાશ સિંહ બાદલને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી બનાવાયા હતા. થોડા સમય પછી તેઓ લોક્સભામાં પણ ચૂંટાયા, પરંતુ તેમને કેન્દ્રનું રાજકારણ પસંદ નહોતું. થોડા મહિના પછી જ કેન્દ્રીય મંત્રીપદ છોડી દીધું. એ પછી તેઓ પંજાબની રાજનીતિમાંથી બહાર આવ્યા નહોતો.