પાટણના ડાભડી ગામમાંથી નકલી જીરું બનાવતી ફેકટરી ઝડપાઈ, ૧૦ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

પાટણ,પાટણમાં નકલી જીરુ બનાવતી ફેકટરી ઝડપાઈ છે. પાટણના ડાભડી ગામ નજીકથી નકલી જીરુ બનાવતી ફેકટરી પકડાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે નકલી જીરુ બનાવતી ફેકટરી પર દરોડા પાડ્યા હતા. જ્યાં વરિયાળીમાંથી જીરુ બનાવવામાં આવતું હતુ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી જીરુનું સેમપ્લ લઈને ફેકટરી સીલ કરવામાં આવી હતી.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બનાવટી જીરુની ૧૫૦થી વધુ બોરી બનાવટી જીરુની બોરી મળી આવી છે. સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૧૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળતી માહિતી અનુસાર વરિયાળીમાં કેમિકલ પાવડરનું પ્રોસેસિંગ કરીને નકલી જીરુ બનાવાતુ હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે કડક કાર્યવાહી કરી છે.

આ અગાઉ મહેસાણાના ઊંઝાના દાસજ ગામમાંથી નક્લી જીરુ બનાવતુ ગોડાઉન ઝડપાયુ હતુ. રાજયના ખોરાક ઔષધ નિયમનતંત્ર દ્વારા નાગરિકોને ગુણવત્તાયુક્ત આવશ્યક ચીજ વસ્તુઓ મળી રહે તે આશયથી તંત્ર દ્વારા નિયમીત રીતે દરોડા પાડવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે તંત્રને મળેલી બાતમીના આધારે ઊંઝા ખાતેથી આશરે રૂપિયા પાંચ લાખનો બનાવટી જીરાનો૩૩૬૦ કિલો જથ્થો જપ્ત કરાયો હતો. જપ્ત કરાયેલા નમૂનાઓ પૃથ્થકરણ માટે મોકલાયો હતો.

વરિયાળીના ભુસા ઉપર કેમિકલ પ્રોસેસ કરી સિમેન્ટ અને ગોળનો ઢોળ ચઢાવીને તેને અદલ જીરા જેવું બનાવવામાં આવતું હોવાનું ફૂડ અધિકારી વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે ગોડાઉનમાં પથરાયેલ રૂ.૫.૦૪ લાખની કિંમતના ૪૮ કોથળા ૩૩૬૦ કિલો બનાવટી જીરુનો જથ્થો કબજે કરી સિઝ કર્યો હતો. તંત્ર દ્વારા લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેટી એક્ટ મુજબ ગોડાઉન માલિક જય પટેલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.