શત્રુધ્નની લાડલી સોનાક્ષીએ ગોતી વર લીધો, સલમાનની બહેન અર્પિતા એ ’ભાભી’ ગણાવીને રિલેશનશીપ કન્ફર્મ કરી

મુંબઇ,બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ ઘણા સમયથી રિલેશનશીપમાં છે તેવી હવે પુષ્ટિ થઈ છે જોકે કપલે સત્તાવાર રીતે મગનું નામ મરી પાડ્યું નથી પરંતુ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માએ આખરે ઝહીર ઇકબાલને ડેટ કરતી સોનાક્ષી સિંહાના સમાચારને સમર્થન આપ્યું છે.

હકીક્તમાં, ગઈ કાલે રાત્રે અર્પિતા એ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી, જેમાં તેણે સોનાક્ષીને ભાભી કહી હતી. જોકે હવે અપતાએ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ડિલીટ કરી દીધી છે. અર્પિતાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર હુમા કુરેશીની ઈદ પાર્ટીની ઘણી તસવીરો પણ શેર કરી છે, જેમાં ઝહીર ઈકબાલ સોનાક્ષીને નજીકથી પકડીને બેઠેલો જોવા મળી રહ્યો છે. તસવીરોમાં જોઇ શકાય છે કે, ઝહીર સોનાક્ષીના ખભા પર હાથ મૂકી રહ્યો છે. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

ગયા વરસે સોનાક્ષી સિંહાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ચાહકોને એક મિસ્ટ્રી બોય વિશે જણાવ્યું હતું, જે અભિનેત્રીની ખૂબ જ નજીક લાગતો હતો. તે વખતે સોનાક્ષીએ લખ્યું હતું કે મારા માટે મોટો દિવસ !!! મારું એક સૌથી મોટું સપનું સાકાર થઈ રહ્યું છે… અને હું તેને યુયુયુ સાથે શેર કરવા માટે રાહ જોઈ શક્તો નથી. આ પોસ્ટ બાદ ઝહીર ઇકબાલ સાથે તેની સગાઇને લઇને અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે આ અફવાઓ તેની નેઇલ બ્રાન્ડ માટે પ્રમોશનલ સ્ટંટ સાબિત થઇ હતી.

સોનાક્ષીના લગ્નની ખબરો છેલ્લા કેટલાક સમયથી આવી રહી છે. અફવાઓ પર પ્રતિક્રિયા આપતા, ’દબંગ’ અભિનેત્રીએ અગાઉ કહ્યું હતું કે તે તેના કામ વિશે વાત કરવાનું પસંદ કરશે. મેં હંમેશાં એ બાબતની તકેદારી રાખી છે કે જો મારા વિશે વાત કરવામાં આવશે, તો હું મારા કામ માટે (મારા અંગત જીવનને બદલે) બોલીશ. પરંતુ દેખીતી રીતે જ લોકો ઉત્સાહિત છે, તેઓ જાણવા માગે છે કે મારા જીવનમાં શું ચાલી રહ્યું છે અને તેમને જે ધારણા બાંધવી હોય તે બાંધે પરંતુ હું મારુ કામ કરતી રહીશ.