- જમ્મુ-કાશ્મીરમાં પંચાયત અને સ્થાનિક નગરપાલિકાની મુદત આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં પૂર્ણ થઇ રહી છે.
શ્રીનગર,જમ્મુ-કાશ્મીરમાં પંચાયત અને સ્થાનિક નગરપાલિકાની મુદત આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં પૂર્ણ થઇ રહી છે. આમાં શ્રીનગર શહેર કોર્પોરેશન, જમ્મુ શહેર કોર્પોરેશન , નગર પરિષદ અને કેન્દ્રશાસિત પ્રદેશોની કમિટીઓ પણ સામેલ છે. આ ચૂંટણીને લઇને જમ્મુ-કાશ્મીરના તમામ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે કોઇ પણ પાર્ટી ચૂંટણીનો બહિષ્કાર કરવા ઇચ્છુક નથી. ખાસ કરીને મહેબૂબા મુતિની પીડીપી અને ફારુક અબ્દુલ્લાના નેતૃત્વમાં નેશનલ કોન્ફરન્સ પણ આ વખતે ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણીમાં તમામ તાકાત આ બંને પાર્ટી લગાવી રહી છે.પૂર્વ સીએમ ડો. ફારુક અબ્દુલ્લા વારંવાર કહી રહ્યા છે કે આ બહુ મોટી ભૂલ હતી.
એનસીના રાજ્ય અયક્ષ રતનલાલ ગુપ્તાએ કહ્યું છે કે ભાજપને હારનો ભય છે તેથી તે વિધાનસભાની ચૂંટણી ટાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને બોધપાઠ ભણાવાશે. તેમણે કહ્યું હતું કે એક પછી એક ટેક્સ, ભરતી પ્રક્રિયામાં ટોપના સ્તર પર ભ્રષ્ટાચાર, પૂર્વ રાજ્યપાલની સાથે વિવાદના કારણે ભાજપની કેટલીક બાબતો ખુલ્લી પડી ગઇ છે. આવી જ રીતે પીડીપી શ્રીનગર અને જમ્મુમાં સતત બેઠકો યોજી રહી છે.પાર્ટીના એક નેતાએ શ્રીનગરના હબ્બા કદલ વિસ્તારમાં રેલી યોજીને કહ્યું હતું કે પાર્ટી પૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડશે.શ્રીનગર એસએમસી મુદત ૫મી નવેમ્બરે પૂર્ણ થશે. જમ્મુ નગરપાલિકાની મુદત ૧૪મી નવેમ્બરના દિવસે પૂર્ણ થશે. એસએમસીમાં મેયર જુનેદ આઝમ મટ્ટુ છે, જ્યારે જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના નેતા છે. બીજી બાજુ જેએમસીમાં મેયર રાજિન્દર શર્મા છે, જે ભાજપના છે. છેલ્લી ચૂંટણી તત્કાલીન રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં ઓક્ટોબર ૨૦૧૮માં ચાર તબક્કામાં યોજાઇ હતી. એ વખતે રાષ્ટ્રપતિ શાસન હતું. એ વખતે નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ રાષ્ટ્રપતિશાસનના વિરોધ અને રાજ્યમાં સરકાર ન બનાવવા દેવાના આરોપ કરીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
આ ભાજપ માટે તક હતી, કારણ કે ભાજપે પણ કાશ્મીરમાં કેટલીક બેઠકો પર બિનહરીફ અને મોટા અંતરે જીત મેળવી હતી. એ વખતે કાશ્મીર વિભાગના ૪૨ મ્યુનિસિપલ સંસ્થાનોમાં ૧૭૮ વોર્ડ જીતીને અપક્ષ સૌથી મોટા જૂથ તરીકે ઉભર્યા હતા. જ્યારે ભગવા પાર્ટી ૧૦૦ વોર્ડમાં જીતી ગઇ હતી. જોકે પંચાયત ચૂંટણીનો રંગ પ્રમાણમાં બિનઅસરકારક રહ્યો હતો. અનેક બેઠકો પર તો ઉમેદવારો જ ઉતર્યા ન હતા.
નગરપાલિકા ચૂંટણી માટે ભાજપે પણ પ્રચારઅભિયાનની શરૂઆત કરી દીધી છે. જમ્મુ મ્યુનિસિપલ સંસ્થાઓમાં સત્તાને જાળવી રાખવાના ઇરાદા સાથે રણનીતિ તૈયાર કરાઇ રહી છે. નવી રણનીતિ હેઠળ ૨૨મી એપ્રિલે જમ્મુમાં ભાજપ કોર ગ્રૂપની બેઠક યોજાઇ હતી. જેમાં નગરપાલિકા અને પંચાયત ચૂંટણીના પ્રચાર માટેની રણનીતીિ તૈયાર કરાઇ હતી. પાર્ટીના એક નેતાએ કહ્યું છે કે તેઓ મોદી સરકારની નવ વર્ષની સિદ્ધિઓની સાથે લોકોની વચ્ચે જશે. ચૂંટણી માટે બૂથ સશક્તીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ હજુ સુધી જમ્મુ ક્ષેત્રનાં ૯૦% બૂથને કવર કરાયા છે.