ડીસા,રાજ્યમાં અવારનવાર ખનીજ ચોરીની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના ડીસામાંથી સામે આવી છે. બનાસકાંઠાના ડીસામાં ખાણખનીજ વિભાગનો સપાટો કરવામાં આવ્યો છે. નાની આખોલ અને માલગઠ ગામે ભૂસ્તર વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ દ્વારા બે અલગ-અલગ ટીમો પાડીને રેતી ખનનનું કૌભાંડ ઝડપી પાડ્યું હતુ. ખાણ ખનીજ વિભાગે ૬ ડમ્પર અને એક હીટાચી મશીન સહિત ૧.૯૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અગાઉ સુરેન્દ્રનગરમાં વઢવાણના મોટા મઢાદ ગામે ખનીજ ચોરીની ઘટના સામે આવી હતી. ખાણ ખનીજ વિભાગે ચાર ખનીજ માફિયાઓને દંડ ફટકાર્યો હતો. ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓને ૧ અબજ ૨૧ કરોડ ૬૮ લાખનો દંડ ફટકાર્યો હતો. મોટા મઢાદ ગામે ખનીજ માફિયાઓ બ્લાસ્ટ કરીને ખનીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યુ હતું. ખનીજ માફિયાઓ બ્લાસ્ટ કરીને ખનીજ ચોરી કરતા હોવાથી ઘર અને દિવાલોમાં તિરાડ પડતી હોવાથી ગામલોકોએ તંત્રને રજૂઆત કરી હતી. ગામલોકોની રજૂઆત બાદ તંત્રએ માપણી કરીને દંડ ફટકાર્યો હતો.