અમેરિકી ટીવી હોસ્ટ કાર્લસન ટકરનું ફોક્સ ન્યૂઝને રાજીનામું:૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણી પર સવાલ ઉઠાવ્યા, ભારત પર અંગ્રેજી હુકુમતના વખાણ કરી ચૂક્યા છે

વોશિગ્ટન,અમેરિકાની સૌથી મોટી ન્યૂઝ ચેનલ્સમાંની એક ફોક્સ ન્યૂઝ પર પ્રાઇમ ટાઇમ શો લાવનારા ટીવી હોસ્ટ ટકર કાર્લસનએ રાજીનામું આપ્યું છે. ટકર ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સમર્થક તરીકે ઓળખાય છે. ફોક્સ મીડિયા નેટવર્કે અહેવાલ આપ્યો છે કે ટકરે શુક્રવારે તેનો છેલ્લો શો હોસ્ટ કર્યો હતો.

અત્યાર સુધી ટકર કે ફોક્સ ન્યૂઝે તેમના રાજીનામાનું કારણ આપ્યું નથી. જોકે, ટકરનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે ફોક્સે ગયા અઠવાડિયે વોટિંગ મશીન કંપની સાથે રૂ. ૬૪,૦૦૦ કરોડમાં માનહાનિનો કેસ પતાવ્યો હતો.

અલ જઝીરાના અહેવાલ મુજબ, ફોક્સ ન્યૂઝે ૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન છેતરપિંડીનો દાવો કર્યો હતો. ફોક્સ ન્યૂઝ ટીવી હોસ્ટ કાર્લસન ટકર પણ આ દાવા કરવામાં સામેલ હતા. હકીક્તમાં, ફોક્સ ન્યૂઝે વોટિંગ મશીન સાથે ચેડાંનો આરોપ લગાવતા ૨૦ દાવા કર્યા હતા.આ દાવાઓને પગલે ટ્રમ્પના સમર્થકોએ ૬ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ વ્હાઇટ હાઉસ પર હુમલો કર્યો હતો. ૨૦૨૧માં વોટિંગ મશીન કંપની ડોમિનિયનએ ફોક્સ ન્યૂઝ સામે કેસ દાખલ કર્યો હતો. તે સમયે, કાર્લસન ટકર સહિત કંપનીમાં કામ કરતા ઘણા લોકોના ખાનગી સંદેશાઓ પણ લીક થયા હતા. જેમાં ખુદ કંપનીના લોકોએ ચૂંટણીમાં કોઈ ગરબડ ન હોવાનું સ્વીકાર્યું હતું. કાર્લસન ટકરનો એક મેસેજ વાયરલ થયો હતો જેમાં તેમણે ટ્રમ્પ વિશે લખ્યું હતું – હું તેમને નફરત કરું છું. ૨૦૨૦ ની રાષ્ટ્રપતિ ચૂંટણી પછી કાર્લસનનો તેમના સાથીદારને સંદેશ, જેમાં તેઓ ટ્રમ્પ પ્રત્યેની તેની નફરત વિશે વાત કરી રહ્યા છે.

રિપબ્લિકન પાર્ટીના સમર્થક હોવાની સાથે, કાર્લસન ટકર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ તેમના જાતિવાદી અને દ્વેષપૂર્ણ નિવેદનો માટે પ્રખ્યાત છે. પોતાના કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે વિદેશીઓ અમેરિકાની વસ્તીમાં ઘૂસણખોરી કરીને તેમને બદલવા માગે છે. તેમણે કહ્યું હતું કે માઈગ્રન્ટ્સ અમેરિકાને ગરીબ, નીચ બનાવી રહ્યા છે.

તે જ સમયે, જ્યારે ૨૦૨૨માં બ્રિટનની રાણી એલિઝાબેથનું અવસાન થયું, તે અંગે પર ચર્ચા દરમિયાન, ટકરે ભારતમાં બ્રિટિશ શાસનની પ્રશંસા કરી. અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. ટકરે કહ્યું હતું કે, ’ભારતમાં બ્રિટિશ શાસનને નરસંહાર કરતાં વધુ જોવું જોઈએ. મજબૂત દેશો હંમેશા નબળા દેશો પર શાસન કરે છે. આ ટ્રેન્ડ હવે બદલાયો નથી. ટકરે એમ પણ કહ્યું હતું કે બ્રિટિશ શાસને જ ભારતને સભ્યતા આપી હતી.