પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર ફિદાયીન હુમલો:૧૨ જવાનનાં મોત, બ્લાસ્ટમાં ૪૦ લોકો ઘાયલ થયા

  • પોલીસ સ્ટેશન સહિત ત્રણ ઈમારત ધરાશાયી.

ઇસ્લામાબાદ,પાકિસ્તાનના સ્વાત જિલ્લાના કબાલ શહેરમાં સોમવારે રાત્રે કાઉન્ટર ટેરરિઝમ વિભાગના પોલીસ સ્ટેશન પર ફિદાયીન હુમલો થયો હતો. પોલીસ સ્ટેશનમાં બે વિસ્ફોટ થયા હતા, જેના કારણે આગ ફાટી નીકળી હતી. આ હુમલામાં ૧૨ પોલીસ જવાનનાં મોત થયાં છે, જ્યારે ૪૦ લોકો ઘાયલ થયા છે.

લોકોને યોગ્ય સારવાર આપવા માટે નજીકની તમામ હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. હુમલા બાદ ખૈબર પખ્તુનખ્વામાં હાઈ એલર્ટ છે. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે વિસ્ફોટોમાં પોલીસ સ્ટેશનની છત ધરાશાયી થઈ હતી, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા.

સ્વાત શફીઉલ્લાહે એને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે બ્લાસ્ટને કારણે ત્રણ ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. વિસ્ફોટ બાદ તરત જ પોલીસ સ્ટેશનમાં આગ લાગી હતી, જેમાં પોલીસકર્મીઓ દાઝી ગયા હતા. પાકિસ્તાની સેના છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી છે.

જોકે અન્ય એક અધિકારી DIG ખાલિદ સોહેલનું કહેવું છે કે પોલીસ સ્ટેશન પર કોઈ ફિદાયીન હુમલો થયો નથી, પરંતુ વિસ્ફોટ એ જગ્યાએ થયો હતો, જ્યાં સ્ટેશનના સ્ટોર રૂમમાં હથિયારો અને દારૂગોળો રાખવામાં આવ્યો હતો. તેમને શંકા છે કે આ કોઈની બેદરકારીને કારણે થયું હોઈ શકે છે. ડોનના અહેવાલ મુજબ, એક પોલીસ અધિકારી ઈમદાદે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી સૂચવે છે કે વિસ્ફોટ પોલીસ સ્ટેશન કેમ્પસની અંદર રાત્રે ૮:૨૦ વાગ્યે થયો હતો. કેમ્પસમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટની ઓફિસ અને એક મસ્જિદ પણ છે.

સ્વાતમાં કાઉન્ટર ટેરરિઝમ પોલીસ સ્ટેશન પર થયેલા હુમલા બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત દેશના દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું હતું કે દેશની સુરક્ષામાં જીવ ગુમાવનાર અધિકારીઓના યોગદાનને અમે હંમેશાં યાદ રાખીશું. તેમણે સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે.

જ્યારે પાકિસ્તાની વેબસાઈટ ’ડોન’ અનુસાર, ૨૦૨૩ના પહેલા ૩ મહિનામાં ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલામાં ૧૨૫ પોલીસકર્મીનાં મોત થયાં છે, જ્યારે ૨૧૨ ગંભીર રીતે ઘાયલ થયા છે. આર્થિક અને રાજકીય સંકટથી પીડિત દેશમાં માત્ર ૯૦ દિવસમાં ૨૫ હુમલા થયા છે.

પાકિસ્તાનના કરાચીમાં કેટલાક આતંકવાદીઓએ પોલીસ હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસ અધિકારી, એક રેન્જર સહિત ૪ લોકોએ જીવ ગુમાવ્યા અને ૧૮ લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ અનુસાર, આતંકવાદીઓ પોલીસ યુનિફોર્મમાં હેડક્વાર્ટરમાં ઘૂસ્યા હતા. ૩ આતંકવાદીએ પોતાની જાતને ઉડાવી દીધી હતી અને અન્ય બે આતંકવાદી પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા હતા. કુલ કેટલા આતંકવાદીઓ હતા એ સ્પષ્ટ નથી.