ગુજરાત ATSએ દાઉદના સાગરીત અબ્દુલ માજીદની કરી ધરપકડ, 24 વર્ષથી હતો ફરાર

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. મહેસાણાના 1996ના આર્મ્સ હોલ કેસના ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી દુશ્મન દેશ પાકિસ્તાન બનાવટની 124 પિસ્ટલ, 750 કારતુસ, 4 કિલો RDX અને અઢી કરોડના વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓ ગુજરાત ATS દ્વારા કબ્જે કરવામાં આવ્યા હતા.

હથિયાર પહોંચાડનાર અબ્દુલ માજીદ કુટ્ટીની ઝારખંડ રાજ્ય માંથી ATSએ ધરપકડ કરી હતી. છેલ્લા 24 વર્ષથી આ શખ્સ નાસતો ફરતો હતો. આખરે ગુજરાત ATSને ઝડપવામાં સફળતા મળી છે. ઝડપાયેલો આરોપી માજીદની ગણના દાઉદના ખાસ સાગરીતમાં થાય છે. વર્તમાન સમયમાં દાઉદ સાથે સંપર્ક છે કે કેમ એ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.

ગુજરાત એટીએસે કહ્યું હતુ કે આરોપી અબુ સાલેમ છોટા રાજન તેમજ અન્ય ગેંગ સ્ટારને મળેલો છે. તેઓની સાથે આરોપી ભાંગફોડીયા અને સ્મગલિંગની પ્રવૃત્તિ પણ કરતો હતો. 24 વર્ષ બાદ આરોપી પકડાયો છે. આરોપી વર્ષ 2000 પહેલા તે દાઉદને મળ્યો હતો. હથિયાર પકડાયા તે વખતે આરોપી દુબઇ અબુ સાલેમ સાથે હતો. મહત્વનું છે કે વર્ષ 1997માં ભાંગફોડની પ્રવૃત્તિ માટે દાઉદ ઇબ્રાહિમે પાકિસ્તાન બનાવટની 115 પિસ્તોલ સહિત ચાઈનીઝ બનાવટની 15 પિસ્તોલ સહિતના સાધનો રાજસ્થાનથી ગુજરાત મોકલ્યા હતા.