- પાલિકાએ યોજના અંતર્ગત મંજુર કરેલા ટેન્ડર કોસ્ટ કરતા વધારે ટેન્ડરની રકમ સાથે એજન્સીના વર્ક ઓર્ડર આપી દીધો.
- પાલિકા દ્વારા કરેલ ટેન્ડરિંગ પ્રકિયામાં પારદર્શિતાનો અભાવ: વિવાદાસ્પદ ટેન્ડરિંગ પ્રક્રિયા પાછળ હેતુ શું..? ચર્ચાતો સવાલ.
દાહોદ,દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે આવેલા સીઝનેબલ માર્કેટ તરીકે ગણાતા હેમંત ઉત્સવ બજાર હવે ઇતિહાસ બનશે.દાહોદ નગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી મહોત્સવ શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે 5.44 કરોડના ખર્ચે અધ્યતન સુવિધાઓ તેમજ પાર્કિંગ સુવિધા સાથેનું ચાર મંજિલા કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજરોજ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર પાલિકા પ્રમુખ રીના પંચાલ ચીફ ઓફિસર યશપાલ વાઘેલા તેમજ નગરપાલિકાના સભ્યો તથા પાલિકાના કર્મચારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે સાડા પાંચ કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ કોમર્શિયલ બિલ્ડીંગમાં પાર્કિંગ ગાર્ડન કોમન હોલ તેમજ વેન્ડર્સની દુકાનોની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ નગરપાલિકા દ્વારા આ કોમર્શિયલ બિલ્ડીંગના ટેન્ડરનું 5.11 કરોડની ટેન્ડર કોસ્ટ મૂકવામાં આવી હતી અને હવે ટેન્ડર કોસ્ટ કરતા વધુ રકમનું એટલે કે 5.44 લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરી તેનો વર્ક ઓર્ડર આજરોજ ખાતમુહૂર્તના થોડીક જ મિનિટો પહેલા કામ કરનાર એજન્સીને આપવામાં આવ્યું હતું. જેને લઇને જેમાં પાલીકાના વહીવટને લઈને અનેક શંકા કુશંકાઓ ઊભી થવા પામી છે.જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી મહોત્સવ શહેરી વિકાસ યોજના અંતર્ગત 5.11 કરોડ ગ્રાન્ટમાંથી વપરાશે અને વધારાની રકમ નગરપાલિકા પોતાના સ્વભંડોળમાંથી વાપરશે જે અંગે નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ તેમજ પાલિકાના મુખ્ય અધિકારી યશપાલસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. જોકે, એક તરફ નગરપાલિકા પાસે સ્વભંડોળ તળિયા ઝાટક થઈ ગયું છે. પાલિકા પાસે કર્મચારીઓના પગાર તેમજ રોડ ઉપર કરાતા પેચ વર્ક તથા લાઈટ બિલ ભરવા માટે પૈસા નથી. તેવા સમયે ટેન્ડર કોસ્ટ કરતા વધારાની રકમનું ટેન્ડર પાલિકા દ્રારા આપી દેવામાં આવ્યું છે. ત્યારે આ બિલ્ડીંગના નિર્માણ કાર્યમાં વધારાના 33 લાખ કઈ ગ્રાન્ટમાંથી અને કઈ યોજનામાંથી આપશે તે એક મોટો સવાલ છે.?
આ ટેન્ડરમાં ઈ ટેન્ડરિંગ કર્યું છે કે કેમ સાથે સાથે આ ટેન્ડર અંગેની જાહેર નિવિદા બહારના અને પેપરોમાં આપી પાલિકાએ શું ગણિત રહ્યું છે.? તે ચર્ચા તો સવાલ છે. આ ટેન્ડરિંગ પ્રક્રિયામાં સ્થાનિક કોઈપણ એજન્સી એ ટેન્ડર ભર્યું નથી.
ત્યારે દાહોદ શહેરમાં વેન્ડરો તેમજ સીઝનલ માર્કેટ માટે એક માત્ર હેમંત બજાર ઉત્સવ હતો તેને તોડીને તેની જગ્યાએ કોમર્ષીયલ બિલ્ડીંગ બનવવામાં આવશે તો વેન્ડર તેમજ સીઝનલ માર્કેટમાં ધંધો રોજગાર કરનારા વેપારીઓ ક્યાં જઇને રોજી રોટી મેળવશે. ત્યારે પાલિકાએ હેમંત ઉત્સવ બજારમાં વેપાર ધન્ધો કરતા વેપારીઓ માટેની કોઈ વૈકલ્પિક સુવિધા ઉભી કરી છે કે નહી તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી ત્યારે ટેન્ડર કોષ્ટ કરતા વધુ રકમનું ટેન્ડર મંજુર કરવા પાછળ પાલિકા સત્તાધીશોનું કયું ગણીત કામ કરી રહ્યું છે. તેની ચર્ચાઓ પણ જોર સોરથી ઉઠવા પામી છે.
ત્યારે પાલિકાના વિશ્ર્વાસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યા અનુસાર આ ટેન્ડર પ્રક્રિયામાં કારોબારી સભ્યો તેમ જ પાલિકાના સુધરાઈ સભ્યોની નારાજગી હતી. આ ટેન્ડરના પ્રક્રિયામાં મોટાભાગના સુધરાઈ સભ્યો સહી કરવા તૈયાર પણ નહોત.
હેમંત ઉત્સવ બજારનું નવીનીકરણની કામગીરીમાં ગુંચવાડો ઉભો થતા કેટલાક નગર સેવકો તેમજ હોદેદાર દાહોદના ધારાસભ્યને મળ્યા હતા. પરંતુ ત્યારબાદ ચેરમેનનોની સમિતિની વરણી સમયે સુધરાઈ સભ્યો માં અંદરો અંદર સામાન્ય થઈ જતા ધીના ઠામમાં ઘી ઠરી ગયું હતું. ત્યારે ધારાસભ્યને જાણ પણ કરવાની તસદી પણ ન લીધી હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ખાસ્સા નારાજ પણ જોવા મળ્યા. જોકે ધારાસભ્ય દ્વારા જાહેરમાં કોઈ પ્રતિકિયા આપી નહોતી. પરંતુ વિશ્ર્વાસનીય સૂત્રો દ્વારા એમ પણ જાણવા મળે છે. દાહોદના સાંસદ અને જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર ખાત મુહર્ત કાર્યક્રમ આવવાના ન હોત તો ધારાસભ્ય આ કાર્યક્રમમાં હાજર પણ ન રહેવાના હતા. ત્યારે આ ટેન્ડરિંગ પ્રક્રિયા તેમજ અંદરોઅંદરના વિખવાદ અને ગૂંચવાડાને લઈ અનેક શંકા કુશંકાઓએ જન્મ લીધો છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા કરેલ વહીવટ આગામી સમયમાં કેવો રૂપ લે છે. તે જોવું રહ્યું.