નવીદિલ્હી,ઇમ્ફાલમાં આયોજિત ખેલ મંત્રીઓના યુવા કાર્યક્રમ અને ચિંતન શિબિરને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં ભારતીય ખેલાડીઓએ ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આપણા રમત મંત્રાલયે રમતગમતની સ્પર્ધાઓને લઈને અલગ અભિગમ સાથે કામ કરવું પડશે. દરેક સ્પર્ધા માટે અલગ-અલગ વ્યૂહરચના બનાવવી પડશે.
સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ટ્રેનિંગ પર વધુને વધુ ધ્યાન આપવું પડશે. સ્થાનિક સ્તરે વધુને વધુ સ્પર્ધાઓ થવી જોઈએ. મને ખુશી છે કે આ વર્ષે આ ચિંતન શિવર મણિપુરની ધરતી પર થઈ રહ્યું છે. નોર્થ ઈસ્ટના ઘણા ખેલાડીઓએ દેશ માટે મેડલ જીત્યા છે. દેશનું ગૌરવ વયું છે. મને આશા છે કે દેશભરના ખેલ મંત્રીઓ ઘણું બધું શીખીને મણિપુર પાછા જશે. મણિપુરના લોકોની હૂંફ અને આતિથ્ય તમારા રોકાણને સુખદ બનાવશે.
ઇમ્ફાલમાં આયોજિત યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રીઓના ચિંતન શિબિરમાં પીએમ મોદીએ કહ્યું કે ઉત્તર પૂર્વના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા ૨ ખેલો ઇન્ડિયા કેન્દ્રો અને દરેક રાજ્યમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી રહી છે. આ પ્રયાસો રમત જગતમાં નવા ભારતનો પાયો બનશે.
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર ઇમ્ફાલ, મણિપુરમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમત મંત્રીઓના બે દિવસીય મંથન સત્રની અધ્યક્ષતા કરશે. ચિંતન શિબિરમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૦૦ થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ ચિંતન શિબિરમાં દેશને વિશ્ર્વમાં રમતગમત ક્ષેત્રે એક શક્તિ બનાવવા અને રાષ્ટ્રને સ્વસ્થ રાખવાની ચર્ચા કરવા સૌ કોઈ એકત્ર થયા છે. ચિંતન શિબિરમાં વ્યક્તિત્વ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
ગયા વર્ષે જૂન મહિનામાં ગુજરાતના કેવડિયા ખાતે આવી મંથન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને રમતગમતના વિકાસ માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.