સાતારાથી ડોમ્બિવલી આવતી બસને પુણેમાં ટ્રકે ટક્કર મારી: ચારનાં મોત

મુંબઇ,પુણેના નવલે પુલ પાસે એક ટ્રક ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાતા ચાર જણના મોત થયા હતા જ્યારે ૧૮ જણ ઇજા પામ્યા હતા. આ ઘટના મુંબઇ- બેંગલુરું નેશનલ હાઇવે પર સ્વામિનારાયણ મંદિર પાસે વહેલી સવારે બેથી અઢી દરમ્યાન બની હતી.

આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાતારાથી મુંબઇ-ડોમ્બિવલી તરફ આવી રહેલા એક ખાનગી લકઝરી બસ સાથે પાછળથી આવી રહેલ એક ટ્રક ધડાકાભેર અથડાઇ હતી આ દુર્ઘટનામાં ચાર જણના મોત થયા હતા જ્યારે ૧૮ જણ ઇજા પામ્યા હતા. ટ્રકની બ્રેક ફેલ થતા અને ટ્રક ચાલકે ટ્રક પરનું નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ દુર્ઘટનામાં ટ્રક ડ્રાઇવરનું પણ મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતા જ મેડિકલ ઇમરજન્સી સર્વિસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને પીડિતોને મદદ પૂરી પાડી હતી. ઘાયલોમાંથી ૧૩ જણને નવલે હોસ્પિટલ, દીનાનાથી મંગેશકર હોસ્પિટલ અને સાસૂન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના સંદર્ભે પુણે જિલ્લા પરિષદના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર આયુષ પ્રસાદે જણાવ્યું હતું કે ડ્રાઇવરનો થાક એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આવા અકસ્માતોને રોકવા આ બાબતે વિચારવાની ખૂબ જ આવશ્યક્તા છે. આ ઉપરાંત રાતના સમયે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે. મુસાફરી પહેલા પૂરતો આરામ કરો, નિયમિત વિરામ લો અને રસ્તા પરના અન્ય ડ્રાઇવરોનું પણ યોગ્ય ધ્યાન રાખો. આ ઉપરાંત જો રસ્તા પર કોઇ વાહનચાલક બેફામ ડ્રાઇવિંગ કરતો હશે તે તેનાથી સલામત અંતર જાળવી તેની જાણ સ્થાનિક પોલીસને કરો.